કેટલી હદે !
વહી વહીને વહી શકીશ તુંય કેટલી હદે !
ઝરમરમાં ઝરમરીશ તુંય કેટલી હદે !
અંતે તો આંખથી જ પ્રગટવાનું આવશે
ભીતરમાં ખળભળીશ તુંય કેટલી હદે !
કિરદાર એક વાર અમર થઈ ગયા પછી
નેપથ્યમાં સરીશ તુંય કેટલી હદે !
ચાહીશ તોય કોણ તને આપશે દુઆ !
લાશોને કરગરીશ તુંય કેટલી હદે !
અસ્તિત્વના પ્રવાહીપણાનો સવાલ છે
રેતીમાં દડદડીશ તુંય કેટલી હદે !
~ સુરેન્દ્ર કડિયા
હદની હદ હોય? હા…. અહીં કવિને એ જ અભિપ્રેત છે. વહેવાની, ઝરમરવાની, ખળભળવાની, છુપાવાની, કરગરવાની કે દડદડવાની હદ કવિ દર્શાવે છે. આ હદો હૃદયની છે, હૃદયમાં સર્જાય છે એટલે એ એને તોડી શકે પણ તોય…. તોડીતોડીનેય કેટલું તોડવાનું? ફરી ત્યાં હદનો જ પ્રશ્ન આવીને ઊભો રહે. આ હદને ચીતરવામાં કવિએ કેટકેટલાં વાનાં ખપમાં લીધા છે! એ કાવ્યાત્મક બેહદનું દર્શન કહી શકાય. ‘અંતે તો આંખથી જ પ્રગટવાનું આવશે….’ આ શેરમાં જાણે શબ્દો મોતી બની ગયાં છે….
નથી
તું લખે છે ક્યાંય ઈલાહી નથી
દોસ્ત! તારી પેનમાં સ્યાહી નથી
ભીડ, નકરી ભીડનો સંગાથ છે
રાહમાં એકેય હમરાહી નથી
એ ગઝલનું રૂપ લઈ આવ્યા કરે
માત્ર એની કોઈ આગાહી નથી
સર્વ-અર્પણતા હકીકત દૂરની
તેં ભૂમિકા ત્યાગની ગ્રાહી નથી
તું શિખરો સર કરે પણ શી રીતે?
તેં તળેટી ચાહીને ચાહી નથી.
~ સુરેન્દ્ર કડિયા
આંખ ખોલો ને કુદરત ચારે બાજુ દિવ્યતા વેરીને બેઠી છે. છતાં જેને દિવ્યતાનો અનુભવ જેને ન થાય એને શું કહી શકાય ? ભીડમાં એકલતા અનુભવનારા અનેક હશે. તો કવિતા કોઈ આગાહી વગર અવતરે છે એનોય સાચા કવિને અનુભવ હોય જ. અને છેલ્લા શેરમાં ‘ચાહ’ શબ્દ બંને અર્થમાં મૂકીને કવિએ સરસ ભાવદર્શન મૂક્યું છે!

Pingback: 🍀17 જુન અંક 3-1187🍀 - Kavyavishva.com
બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી
ખૂબ જ સરસ ગઝલો, આપે ઉઘાડી આપેલા આસ્વાદિક અર્થો પણ સરસ.
પહેલી ગઝલ હદ બેહદ ગમી જાય તેવી છે જ.બીજી ગઝલના શેર પણ આસ્વાદ્ય. તમારી ટિપ્પણીઓ પણ રચનાના ભાવવિશ્વ પાસે લઈ જનારી.
બંને રચના એના આસ્વાદ સાથે સરસ છે.
“તું શિખરો સર કરે પણ શી રીતે?
તેં તળેટી ચાહીને ચાહી નથી.” સફળતા કોને અને કેમ મળે છે! તેનું મૂળ કારણ…
સરયૂ પરીખ