કાગળમાં
છોડ ચિંતનની નાવ કાગળમાં
છે છલોછલ તળાવ કાગળમાં
સાત સાગર તરું સરળતાથી
ડૂબવાનો સ્વભાવ કાગળમાં
હું ઉપાડું કલમ, પછી મારા
ભાવ તેમજ અભાવ કાગળમાં
મારા મનને મળ્યો અરીસો આ
હૂબહૂ હાવભાવ કાગળમાં
આ અહીં મારી સ્વપ્નભૂમિ છે
તેથી નાંખ્યો પડાવ કાગળમાં
તારું એકાંત રાખ તું અંગત
ઢોળી દે શાહી, લાવ કાગળમાં
~ હર્ષદ ચંદારાણા (26.1.1947 – 16.6.2024)
પગલાંની દેરી
ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
બાંધીએ ચાલો અહીં પગલાંની દેરી.
ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
ને હવે એમાં તમે ઝુલ્ફો વિખેરી.
ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
હાથ લાગી એક કલરવની કચેરી.
ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
આંખ સામે તોય મારાં ગામઢશેરી.
ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
એટલે બેઠો હવે શબ્દો વધેરી.
~ હર્ષદ ચંદારાણા

હર્ષદભાઈ ની બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી
અમારાં અમરેલીના પ્રેમાળ કવિ હર્ષદભાઈ ચંદારાણાની દિવ્ય ચેતનાને વંદના..
ધ્રુવ પંક્તિનું આવર્તન ભાવને દૃઢ બનાવે છે.
કવિ ની ચેતનાને વંદન. બંને ગઝલ સરસ. બીજી નો પ્રયોગ પણ ગમ્યો.
Pingback: 🍀22 જુન અંક 3-1190🍀 - Kavyavishva.com