નીકળ્યો
માછલી સાથે જ દરિયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.
હું જ મારા ભારથી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.
ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.
સાંજ પડતાંયે ફર્યું ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.
આશરો કેવળ નદીને જે હતો,
એક સાગર એય ખારો નીકળ્યો.
આગિયાઓ ઊજળા છે કે પછી –
`વેશ બદલી સૂર્ય ઊડતો નીકળ્યો ?
થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો.
~ ધૂની માંડલિયા
ગઈ
એકાંત સાથે મારે મહોબત હતી, ગઈ,
તારા ગણાય એટલી ફુરસત હતી, ગઈ.
આવ્યા જો એ તો થઈ ગયો ચારે તરફ ઉજાસ,
બે-ચાર આગિયાની જે દોલત હતી, ગઈ.
એનો વિચાર હાથ કદી છોડતો નથી,
રસ્તો ભૂલી જવાની જે સવલત હતી, ગઈ.
મનમાં તરંગો એક પછી એક આવતા,
સૂના તળાવની જુદી રાહત હતી, ગઈ.
કોઈ શહેનશાહનું લશ્કર છે એની યાદ,
નાની અમસ્તી મારી રિયાસત હતી, ગઈ.
~ હેમેન શાહ

બન્ને સર્જકની ગઝલ સંવેદનશીલ છે.
વાહ.. અદ્ભુત હેમેન શાહ.. અને ધૂની સાહેબ…
હતી, ગઈ. ભૂત અને વર્તમાનને સાંકળતા રદીફને અદ્ભૂત રીતે દરેક શેરમાં નિભાવ્યો. વાહ કવિ, સો સો સલામ તમને.
બન્ને રચનાઓ ખુબ સરસ કવિ શ્રી ઓ ને અભિનંદન
વાહ વાહ વાહ
બંને ગઝલો ખૂબ જ સુંદર છે, વાહ!
પહેલી ગઝલમાં ‘નીકળ્યો ને બીજી ગઝલ માં ‘ગઈ” નું પુનરાવર્તન સાર્થક બન્યું છે. ધન્યવાદ.
ધૂની સાહેબ અને હેમેન ભાઈની આહાહા ગઝલ વાંચીને મોજ આવી ગઈ.