ભગવતીકુમાર શર્મા ~ આંસુનો અનુવાદ & આ કારણ-અકારણ * Bhagavatikumar Sharma   

આંસુનો અનુવાદ કરી જો
દરિયામાં વરસાદ કરી જો !

ઘેરાયેલું વાદળ ખૂલશે,
ખુદ સાથે વિખવાદ કરી જો !

રણ-ડમરી વચ્ચે આંખોના   
જળને ઝિન્દાબાદ કરી જો !

જન્મ પુષ્પનો મળ્યો તને તો,
ઝાકળથી સંવાદ કરી જો !

મળ્યું હતું તરબોળ પલળવા,
બંધ નયને યાદ કરી જો  !

સરસ્વતીની પૂજામાંથી,
મુશાયરાને બાદ કરી જો

~ ભગવતીકુમાર શર્મા  

આ કારણ-અકારણ અજંપાથી થાક્યો;
હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો .

ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક;
અગોચર,અનાહત તમાશાથી થાક્યો .

બુલેટોની ફૂટતી નથી ધણધણાટી;
નિરંતર તકાતા તમંચાથી થાક્યો .

છૂટી શકાતું, બંધાયેલો છું;
હું
શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો .

સજાની હવે કેટલી રાહ જોવી ?
દલીલો
તહોમતપુરાવાથી થાક્યો .

ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
છતાં
મોકલાતા ખુલાસાથી થાક્યો .

મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા
બધાંના દિલાસાથી થાક્યો .

~ ભગવતીકુમાર શર્મા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “ભગવતીકુમાર શર્મા ~ આંસુનો અનુવાદ & આ કારણ-અકારણ * Bhagavatikumar Sharma   ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    બંને ગઝલો અપૂર્વ. અદ્ભુત. ભાવ અને વિચાર સંપદાથી શ્રેષ્ઠ.

  2. ઉમેશ જોષી

    બન્ને ગઝલ સંવેદનશીલ અને હ્રદયગમ્ય છે…

Scroll to Top