તેજસ દવે ~ ખેતરમાં ઊભેલાં & થોડું જીવાય * Tejas Dave

*હું કોણ છું ?*

ખેતરમાં ઊભેલાં ચાડીયાની જેમ
હું ય ઊભો છું વરસોથી મારામાં

વિચારોના બળદ ખેતી કરતાં હોય ત્યારે
હું જોઈ રહું છું એકીટશે એમને.

ના, મને ખબર નથી કે
એ ખેતર કેટલામી વખત ખેડાયું હશે ?
એમાં સારો પાક ઊગે છે કે ખરાબ
હું તો એ ય નથી જાણતો.

મારું કામ છે માત્ર
કબૂતર જેવી ઈચ્છાઓને ઉડાડવાનું.

મને તો એ પણ નથી ખબર
કે હું કોણ છું ???

હું મને અનુભવી શકું છું ખરો
પણ પકડી શકતો નથી
આમ જુઓ તો
મારી ઓળખાણમાં
હું તમને મારું નામ કહી શકું.

મારું શરીર પણ કદાચ
મારી ઓળખાણ બની શકે.

અરે, હું પણ મને
અરીસામાં જોઈને ચકાસી શકું .

પણ તેમ છતાં …..
છેલ્લે પેલો પ્રશ્ન તો
ત્યાંજ મોં ફાડીને ઉભો છે કે ….

આખરે ‘ હું ‘ છું કોણ ????

~ તેજસ દવે

હું કોણ’ આ સવાલનો જવાબ ખેતર બન્યા પહેલા ફેલાયેલી પથરાળ જમીન જેવો છે. મનમાં જાગતી અગણિત ઈચ્છાઓ આનો જવાબ આપવા વામણી પડે…. અરીસામાં દેખાતી સામેની વ્યક્તિ તો સાવ અજાણી લાગે ! નામ તો હવામાં ઊડી જવાનું…. ઋષિઓ મુનિઓ આ સવાલનો પાર નથી પામ્યા ત્યાં સામાન્ય માણસનું શું ગજું ? બસ એણે તો આમ પૂછીને રહી જવાનું……

*ક્યાંથી ?*

થોડું જીવાય ક્યાંથી ?
થોડું મરાય ક્યાંથી ?

બે આંખમાંથી એની
ચીસો કળાય ક્યાંથી ? .

સપનું જુવે પથારી
એમાં સુવાય ક્યાંથી ?

છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ
પાછું ભણાય ક્યાંથી ?

ખાલી મકાન પાછું
ખાલી કરાય ક્યાંથી ?

~ તેજસ દવે

ભૂતકાળને જીવંત કરાય ક્યાંથી ? ઈશ્વરે માણસને જીવન જ આપ્યું છે, અનુત્તર પ્રશ્નોથી ભરેલું. રાહત એમાં ખરી કે જવાબ મળે કે ન મળે પણ આવા પ્રશ્નો છે એની ખબર પડે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “તેજસ દવે ~ ખેતરમાં ઊભેલાં & થોડું જીવાય * Tejas Dave”

  1. Pingback: 🍀4 જુલાઇ અંક 3-1202🍀 - Kavyavishva.com

Scroll to Top