
*દરજીડો*
આવો દરજીડો તો ક્યાંય ન મળે
કાયા સીવે પછી મનડાં સીવે
છતાં ટાંકો ના શોધ્યો જડે.
આવો દરજીડો તો ક્યાંય ના મળે.
તડકાના વસ્ત્રો એ માપના જ સીવે
છાંયડાના વસ્ત્રો બહુ ટૂંકા પડે
આવો દરજીડો તો ક્યાંય ના મળે
ત્રણ ત્રણ પહેરણ પહેરાવીને મોકલે
બિંબ છતાં દર્પણમાં એક જ પડે
આવો દરજીડો તો ક્યાંય ના મળે
ઘડપણના ખિસ્સામાં યાતનાઓ મૂકે
શોધો તો ખિસ્સું ના નજરે ચડે
આવો દરજીડો તો ક્યાંય ના મળે
ધંધો છે મોટો ને સીવવામાં એકલો
એકલતા સામે એ એકલો લડે
આવો દરજીડો તો ક્યાંય ના મળે
કોઈવાર સીવીને પોતે ઉદાસ થાય
(તો) ચોમાસે વાદળા ભરીને રડે
આવો દરજીડો તો ક્યાંય ના મળે
તાકા પણ જાતે બનાવીને સીવે
એક એક તારમાંથી પોતે જડે
આવો દરજીડો તો ક્યાંય ના મળે
~ મુકેશ જોશી
‘આવો દરજીડો તો ક્યાંય ના મળે’ એવું કહીને આ કવિતા આગળ વધે છે. વાત તો દરજીડાની છે પણ આ દુન્યવી દરજીડો નથી. આ તો જિંદગી અને જગતનું કાપડું સીવતો દરજીડો છે. દરજીડો શબ્દમાં વ્હાલ છે, ભાવ છે. અહીં દરજીડાનું પ્રતિક ઇશ્વરનો સન્દર્ભ સ્પષ્ટ કરે છે. આપણી આસપાસ પથરાયેલી હરીભરી કુદરતમાં વ્યાપ્ત પરમ તત્વની આ વાત છે. પરમાત્માના વિવિધ રંગરૂપોની લીલા કાવ્યના કેન્દ્રમાં છે.
કવિ દરજીડાનું વર્ણન કરે છે. દરજીકામ કેવું કેવું થઈ રહ્યું છે તેનું દર્શન અને કવિનું કૌતુક ક્રમશઃ અચરજ અને મુગ્ધતાના તાકાઓ ખોલે છે અને ભાવકને રસની રાસલીલામાં પ્રવેશ કરાવે છે. આ દરજીડો તો એવો બ્રહ્માજી પણ છે કે જે માનવીની કાયા સીવે છે, માણસનું મનડું સીવે છે પણ ક્યાંય ટાંકો પડવા દેતો નથી.. દરજીડાની કામગીરી તો સતત સંચો ચાલુ રહે તે જોવાની છે. એને નિતનવા કામો કરવાના છે. કયારેક એ તડકાના વસ્ત્રો સીવવા બેસી જાય છે અને તડકાના માપસરના કપડાં સીવી બતાવે છે. છાંયડાના વસ્ત્રો બહુ ટૂંકા પડે છે પણ એમાંય આ દરજીડાની કોઈ યોજના હશે! આ કિરતારનું સીવણ કેવું છે કે ઘડપણના ‘ચોરખિસ્સા’માં તે યાતનાઓ મૂકી દે છે પણ વૃદ્ધજનને એ દેખાતું જ નથી. કયારેક ઉદાસ પણ થઈ જવાય અને ચોમાસામાં વાદળ ભરીને રડી પણ પડે ! તાકાના એક એક તારમાં ‘તુંહી તુંહી’ કરતો છેવટે એ પોતાને જડી જાય છે. સ્વની શોધમાં ઈશ્વર નામે દરજીડો પોતાને મળી જાય છે.
~ પ્રફુલ્લ પંડ્યા

Pingback: 🍀6 જુલાઇ અંક 3-1204🍀 - Kavyavishva.com
વાહ ખુબ સરસ કાવ્ય આસ્વાદ પણ એટલોજ ઉત્તમ અભિનંદન
મુકેશભાઈનો દરજીડો સૌનો બની રહ્યો. આનંદ .
મુકેશ જોશીની કવિતાઓમાં નાવીન્ય અને વિચાર વિસ્મયની વિવિધ મુદ્રાઓ જોવા મળતી હોય છે. ઈશ્વરને દરજીડો કહીને કવિએ સરસ કલ્પના કરી.
વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રમાં પણ માનવ શરીરને કયાંક સાંધી કયાંક જોડીને નિર્માણ કરનાર ઈશ્વરનું એક નામ સન્ધિમાન છે-જે દરજી કામ નિર્દેશક છે.
વાહ, ખૂબ જ સરસ પ્રતિકાત્મક કાવ્ય.
વાહ વાહ! ખૂબ સુંદર પ્રતિકો દર્શાવતું કાવ્ય…. આવો દરજીડો ક્યાંય ન મળે