
*પ્રભાતનાં પંખી*
આછાં અજવાળામાં, લયના હિંડોળામાં
ડાળખીએ નમણાશો ઢોળી
આવી પંખીના ટહુકાની ટોળી...
બુલબુલ તો ગાયે ને કલગી છવાયે
રહે કેસરિયા ચાંદલાઓ કોળી
ઝીણાં સૂર બોલે, સુગંધો સંકોરે
ફફડાવે પાંખો એ ભોળી….
નાચે, કૂદે ને વળી ઉછળે ઊડે
દે હળવાશો ઢગલામાં ઢોળી
સેલ્લારો લેતાં એ ઊડતાં ફરે
ને દૃશ્યોને પી જાય ઘોળી….
કલકલતાં ઝરણાં ને નદીયું વહાવે
એ ચીતરી દે સુખની રંગોળી
હોવાનું ખોઈ બસ વહેવાનું થાય
જો જાતને અચરજમાં બોળી….
~ લતા હિરાણી (25-9-2017)
પ્રકાશિત @ ‘સ્વરસેતુ’ @ દીપોત્સવી ઓક્ટોબર 2017
મારી વાર્તા આપ વાંચી શકો છો, નીચેની લિન્ક પર. આભાર.

પ્રભાતનું સુંદર શબ્દચિત્ર પંખીઓ,ટહુકાઓ, નદી,ઝરણાં,વૃક્ષો,વગેરે પ્રતીકો સાથે પ્રાગડમાં ઊઘડતા કંકુવર્ણા છાંટણાઓથી સુચારુ રીતે અભિવ્યક્ત થાય છે.સરળ લય પણ મનભાવન છે.વાહ લતાબેન.
આભારી છું દિલીપભાઈ.
વાહ લતાબેન પ્રભાત નુ દ્રશ્ય આંખ સામે તાદ્રશ્ય થઈ ગયુ અમારા ગ્રામ્ય અને ગિર વિસ્તાર ના નાનપણ ના દ્રશ્યો યાદ આવી ગયા
આભારી છું છબીલભાઈ.
વાહ, આપનું આ અછાંદસ કાવ્ય સરસ રીતે સવાર, અને પ્રકૃતિ ને વણી લીધી છે.
આભારી છું મેવાડાજી
વાહ ખૂબ જ સરસ અછાંદસ રચના.
આભાર ઉમેશભાઈ
પંખીના ટહૂકાની ટોળીમાં ભળી જઈ ભાઈબંધી કરવાનું મન થાય. નિસર્ગ સાથે દોસ્તી કરતું રળિયામણું ગીત.
આભારી છું હરીશભાઈ
“કલકલતાં ઝરણાં ને નદીયું વહાવે
એ ચીતરી દે સુખની રંગોળી” આનંદમય વાતાવરણનું સંપૂર્ણ રેખાચિત્ર.
સરયૂ પરીખ.
Thank you Saryuben
ઉપર સૌના અભિપ્રાય સાથે હું સહમત છું. ઉઘડતી સવારનું ઝાકળભીનું ગીત શબ્દો ને લયના સથવારે તાલ મજાનો તાલ મેળવે છે. અભિનંદન.
આભાર મીનલબેન
ખૂબ સરસ ગીત
આભાર શ્વેતાજી
Pingback: 🍀10 જુલાઇ અંક 3-1208🍀 - Kavyavishva.com
Pingback: 🍀12 જુલાઇ અંક 3-1210🍀 - Kavyavishva.com