અખો ~ ચાર પદ * Akho

*શાં શાં રૂપ વખાણું*

શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?
ચાંદા ને સૂરજ વિના
, મારે વાયું છે વહાણું.

નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે;
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ
, માથે છત્ર વિરાજે.

નૂરત સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,
ઝળમળ જ્યોત અપાર છે
, ત્યાં મુજ મન મોહ્યું.

વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું;
ત્યાં હંસરાજા ક્રીડા કરે
, ચાંચે મોતીડું ધરિયું.

માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે;
તેને તીરે વસે નાગણી
, જાળવજે નહિ તો ખાશે.

ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી;
અખો આનન્દશું ત્યાં મળ્યો
, ભવભ્રમણા ભાગી.

~ અખો

@@

*અભિનવો આનંદ આજ*

અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું એ;
પરપંચપાર મહારાજ
, તે પૂરણ બ્રહ્મ હું સ્તવું એ.

હરિહર અજ ભુવનેશ, તે તણો ઈશ અજાપતિ એ;
તે જાણો અંગ ઈશ
, જેહને ગાય નિત્ય શ્રુતિ એ.

સ્વેં ચૈતન્ય ઘનરાય, શૂન્યમાં સોહામણો એ;
તે ના
વે વાણી માંહે, તે નહિ વિરાટ ને વામણો એ.

તે જાયે ન આવે ક્યાંહી, સ્થિર પૂરણ અવિનાશ છે એ;
લિંગ—ભંગ તેમાં નહિ
, જે વડે આકાશ છે એ.

એ જાણ્યે જાયે જંજાલ, યથારથ જેમ તેમ થયું એ;
જિહાં કર્મ ન લાગે કાલ
, સભર ભરાઈ તે રહ્યું એ.

તિહાં હવું મન લેલીન, જઈ ચૈતન્ય સભર ભર્યું એ;
નહિ કો દાતા-દીન
, તન—મન સહજે સજ થયું એ.

પ્રગટ્યાં કોટિ કલ્યાણ, આપાપાર વિણસે રહ્યું એ;
સદા સદોદિત ભાણ
, ઉદે—અસ્ત આ કારણ ગયું એ.

કહે અખો આનંદ, અનુભવને લેહવા તણો એ;
એહવો પૂર્ણ પરમાનંદ
, નિત્ય સરાઉં અતિઘણો એ.

~ અખો

@@

*કાગળ સદ્ગુરુ લખે*

કાગળ સદ્ગુરુ લખે, જેના વિરલા છે વાંચણહાર

જ્ઞાનવૈરાગ્યનો દેહ ધર્યો, માંહી જોગપણાનો જીવ;
ભક્તિ આભૂષણ પહેરિયાં રે, એવો કોઈએક સેવક શિવ.

શીલરૂપી ખડિયો કર્યો, માંહી પ્રેમ તણી રુશનાઈ;
કલમ બુદ્ધિ સંતની રે
, ત્યાં તો અદ્વૈત આંક ભરાઈ.

સૂરતનૂરતની દોરી લીટી, માંહી વિવેક તણી ઓળ;
વિચારી અક્ષર ત્યાં લખ્યા રે
, તેમાં ઉતારી પાટણપોળ.

સમજણ કાનો માતરા રે, માયા ઉપર શૂન્ય;
તેમાં પરિપૂરણ બ્રહ્મ છે રે
, ત્યાંહાં નહિ પાપ ને પુન્ય.

કોટિ કોટિ પંડિત પચી મૂઆ રે, પઢી પઢી વેદ પુરાણ;
તોયે અક્ષર એકે ન ઊકલ્યો રે
, સરવે થાક્યા છે જાણસુજાણ.

અંધે તે અક્ષર વાંચિયા રે, બેહેરે સુણી વાત;
મૂંગે ચરચા બહુ કરી રે
, તેની વેદ પૂરે છે સાખ.

જોગપણું જુગતે લહ્યું રે, મન મળી મંગળ ગાય;
વિચારી અક્ષર સૌ લખે રે
, તોયે કાગળ કોરો કહેવાય.

અમરાપુરી નિજ ઘટમાં રે, ત્યાંહાં છે તેહનો વાસ;
કર જોડીને અખો કહે રે
, એવા નિર્મળ હરિના દાસ.

~ અખો

*સમજણ વિના રે*

સમજણ વિના રે સુખ નહિ જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખાય?
આપમાં વસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.

રવિ રવિ કરતાં રે રજની નહિ મટે રે,
અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;
રુદે રવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,
થનાર હોય તે સહેજે થાય.

જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,
ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;
પ્રેમરસ પીતાં રે તૃષ્ણા તુરત ટળે રે,
એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.

પારસમણિ વિના રે જે પથરા મળે રે,
તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
સમજણ વિના રે જે સાધન કરે રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.

દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે.
એને લઈ રૂમાં જો અલપાય;
એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,
રતી એક સાચે પ્રલય જ થાય.

જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણીરહિત છે રે વિચાર;
જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર.

~ અખો  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “અખો ~ ચાર પદ * Akho”

  1. અગમવાણીનાં અખાના પદો એના વિવિધ સંદર્ભો સાથે સમજવા પડે.

Scroll to Top