મણિલાલ દેસાઈ ~ ગદ્ય કાવ્ય * Manilal Desai

*કરુણા*

કરુણા તો અમદાવાદના ઊંટની આંખોમાં છે. માણસોને તો આંખો જ નથી. ઊકળતા ડામરની સડકો પર ચાલતાં ચાલતાં એમની બુદ્ધિ પર હવે મોતિયો બાઝી ગયો છે. તે હું પણ અમદાવાદમાં રહું છું, અમદાવાદમાં રહું છું, મારી આસપાસ પણ એક ઝાંખું પડ બાઝવા માંડ્યું છે. નિરોઝ – ક્વૉલિટીનું એરકંડિશનર ભઠિયાર ગલીનો શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે અને ભઠિયાર ગલી તો મણીનગરની વેશ્યાઓના પડછાયા પાડે છે. સાબરમતીની રેતી અહીંના રસ્તે રસ્તે પથરાઈ ચૂકી છે. અને રસ્તા રાહ જોઈને બેઠા છે ગાંડા ઘોડાપૂરની.

સાબરમતીનો આશ્રમ ગાંધીએ માછલાં પકડવા નહોતો બનાવ્યો. કે ઘાટ પર નાહવા આવતી અમદાવાદણો સાથે
કનૈયાગીરી પણ નહોતી કરવી, એને તો સાઈકલરિક્ષા ચલાવનાર અહમદશાહને ઑટોરિક્ષા અપાવવી હતી. પણ આ અમદાવાદ બળવંતરાય મહેતાની મોટરના પાટા પર થૂંકવામાંથી, અને ઈન્દુલાલ યાજ્ઞિકની ટોપીમાં માથું મૂકવામાંથી જ ઉપર નથી આવતું. કાલે – સરખેજની કબરમાં અહમદશાહનો ઘોડો હણહણ્યો હતો. કાલે – આદમ મારે બારણે ટકોરા મારી પૂછશે કે ‘મેં આપેલી પેલી લાગણીઓનું શું ?’ ત્યારે હું, લાલ દરવાજે એક પૈસામાં ‘બૂટ પોલીશ’ કરી આપવા તૈયાર થયેલા છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી નાસી છૂટીશ.

~ મણિલાલ દેસાઈ (19.7.1939 – 4.5.1966)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “મણિલાલ દેસાઈ ~ ગદ્ય કાવ્ય * Manilal Desai”

Scroll to Top