

*****
*આવ પલળીએ*
આવ પલળીએ,
એકમેકમાં ઘૂઘવતાં આ ચોમાસાને મળીએ.
આવ પલળીએ.
પરબીડિયાનું વાદળ ગમતાં સરનામાને તલસે,
બીજ અષાઢી આવે ને મન વ્હાલું વ્હાલું કણસે,
બારસાખને પકડી આંખો શ્રાવણ થઈને વરસે,
વરસે નહીં તો ડૂમાને કોઈ ઘંટી વાટે દળીએ.
આવ પલળીએ.
લવિંગ કેરી લાકડીએ હું પરપોટાને તોડું,
ઈચ્છાઓની બંધ પોટલી ચોક વચાળે છોડું,
તમે કહો તો શેરી આખી માથે લઈને દોડું,
કુંવારી આંખ્યુંનાં વ્રતને સૌની સામે છળીએ.
આવ પલળીએ.
~ જયંત ડાંગોદરા
ચોમાસું બે કાંઠે વહી રહ્યું છે ત્યારે આવું ગીત મનને ભીંજવી જાય…
કવિ : જયંત ડાંગોદરા * ફૂલોની પાંખ પર * રીડજેટ 2015

Pingback: 🍀9 જુલાઇ અંક 3-1207🍀 - Kavyavishva.com
કાવ્યવિશ્વ પર મારી રચનાઓને સ્થાન આપવા માટે આભારી છું લતાબેન. વંદન સ્વીકારજો.
આપણો સહિયારો આનંદ જયંતભાઈ.
વાહ, ગીત અને ગઝલ બંને ખૂબ જ સુંદર.
વાહ ગળચટ્ટુ ગીત…
બંને રચના સરસ👌👌👌
તરોતાજા રચનાઓ ખૂબ સરસ .. અભિનંદન.