હેમંત ધોરડા ~ બે ગઝલ * Hemant Dhorada

🍀

*જાઉં*

રોકાવું હો તો અટકું છું સાથે હું પછી જાઉં,
વહેવું હો તમારે તો હું હમણાં જ વહી જાઉં.

સોનાની છું લગડી, જો ન મળવું હો તમારે,
મળવું હો તમારે તો રસ્તામાં મળી જાઉં.

પહેલું તો ટમકવાનું તમારે, એ શરત છે,
પહેલાં તમે ટમકો પછી હું સામું ઝગી જાઉં.

પ્રતિબિમ્બ તો લીલાશનાં આંખોમાં લહેરાય,
થોડું તમે ઊગો તો જરી હુંય ઊગી જાઉં.

પડઘાઉં ઝીણું ઝીણું જો ઝીણું તમે બોલો,
જો ચૂપ રહો તો ચુપકીદીનો પડઘો થઈ જાઉં.

~ હેમંત ધોરડા

સચ્ચાઈની ગઝલ – એક પગલું તું ભરે તો હું એક પગલું જ નહીં, દોડી પણ લઉં ‘પહેલાં તમે ટમકો પછી હું સામું ઝગી જાઉં’….. એકપક્ષીય સંબંધ, આમ તો કવિતા-વાર્તામાં ચાલતો હોય છે…. ચાંદા-તારાની જેમ…. પણ જીવન એ નથી… કેમ કે ચાંદ-તારા તોડી લાવી શકાતા નથી. માણસ છે તો આશા છે, અપેક્ષા છે અને અહીં કવિ સચ્ચાઈ પીરસે છે. અને સચ્ચાઈ સ્પર્શ્યા વગર રહે ખરી ??  

🍀

*ગઝલ*

છૂટી પડી ગયેલી ક્ષણોમાં પડાવ રે,
હું પણ કોઈ ઉદાસ હવાઓમાં સાવ રે.

સુક્કો જ રેતપટ બહુ સુક્કો જ રેતપટ,
પથ્થર નીચે ભીનાશમાં ઊંડે અભાવ રે.

ભીતર કશું અજંપ અજાણ્યું કશું અબોલ,
ઊડી જતા વિહંગની છાયામાં રાવ રે.

નભની નીચે અફાટમાં અકબંધ જળ અખંડ,
કાળા ખડકથી દૂર નિકટ દૂર નાવ રે.

એકાંતમાં ઊમટતાં દિશાહીન વાદળાં,
કોને કહું, ગણાવું વિખૂટા બનાવ રે.

~ હેમંત ધોરડા

કવિતામાં રે લયનો હિલ્લોળ પેદા કરે છે. ઉદાસી અને અભાવ છલકાવતી આ ગઝલના ભાવો ગૂઢ છે….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “હેમંત ધોરડા ~ બે ગઝલ * Hemant Dhorada”

  1. હેમંતભાઈની બંને ગઝલોમાં ભાષાકર્મ અને ભાવાભિવ્યકતિની વિશિષ્ટતા ધ્યાન ખેંચે છે અને તેમણે પોતીકી શૈલીમાં આપણે ત્યાં ભાગ્યે જ લખાતી ગઝલો આપી છે જે અભિનંદનીય છે
    કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ !
    પ્રફુલ્લ પંડ્યા

  2. હરીશ દાસાણી.મુંબઈ

    હેમંતભાઇની ગઝલોનો પ્રત્યેક શેર વારંવાર ચગળવો ગમે તેવો સ્વાદિષ્ટ.

Scroll to Top