કોરો સફેદ કાગળ
લખ્યા વિનાનો સાવ કોરો સફેદ કાગળ
આંખ સામે આવ્યો ત્યારે
આંખ બે ક્ષણ તાકી રહી એને જ
એમાં નહીં લખાયેલા શબ્દો
કાળી શાહીથી લિપિબદ્ધ થતાં થતાં
ધીરે ધીરે તાદૃશ બન્યાં
પળવારમાં ઉપસી આવી ભરચક શબ્દોની ભીડ
આંખ વધુ સ્થિર બની ઉકેલવા મથે
ત્યાં જ પાંપણ પર આવીને અટકી ગયેલું આંસુ
બધાં જ અર્થઘટનોને બહાર અટકાવી દઇને
ભીતર પ્રવેશ આપે
ઓગળી ઓગળીને આર્દ્ર બનેલી
કાગળની નરી સફેદીને
એનું સફેદ હોવું એટલે શું
આંખોને એ સમજાય એ પહેલાં તો
આંસુએ એની બધી ભીનાશ ટપકાવી દીધી…..
~ સુસ્મિતા જોષી
કોરો કાગળ, એના પર નહીં લખાયેલા શબ્દોની ભીડ ને એમાં ફરી ફરીને ઓગળી જતી નરી સફેદીની આ કથા-વ્યથા એક આખોય ભૂતકાળ તાદૃશ્ય કરે છે. કાગળમાં દેખીતી રીતે કશું જ નથી પણ જેવો સામે આવે છે કે આંખ બે ક્ષણ એને તાકી રહે છે ને એમાં એક પછી એક શબ્દો કાળી શાહીથી લીપિબદ્ધ થવા માંડે છે. વાત દુખની છે, પીડાની છે એટલે નાયિકા કાળી શાહીનો પ્રયોગ કરે છે. શબ્દો જ નહીં શબ્દોની આખી ભીડ ભરાઇ જાય છે. વાત ઓછી પળ બે પળની છે !! સ્મૃતિમાં કંઇ કેટલુંય ભંડારાયેલું છે અને આજે એ બધું જ દરિયો થઇ ઓગળવા માંડ્યું છે. આંખ એને સ્થિર થઇ ઉકેલવા મથે, એનો અર્થ સમજવા બેસે એ પહેલાં પાંપણ પરનું આંસુ પહેરેદાર થઇને બધા જ અર્થઘટનોની આલબેલને બહાર જ અટકાવી દે છે. શબ્દો ઠેરના ઠેર છે અને કાગળમાં પથરાયેલી નરી સફેદી, નરી શૂન્યતાને એ નાનકડું આંસુ ભીતર પ્રવેશ આપી દે છે. પછી આંખો માત્ર માધ્યમ બની રહે છે, આંસુ એ સફેદીની પીડાનો દરિયો બસ ઠલવી જ દે છે…
જીવન ઉદાસીથી છલોછલ છે. આંખ સામે જે આવે છે તે સૂકું અને બરડ છે. સંબંધોમાં સહેજ પણ કુમાશ બચી નથી. બધું જ કોરું કટાક છે. એટલે જ નાયિકાને કોરા કાગળનું પ્રતીક સૂઝ્યું હશે. એક સમય એવો હશે જે જ્યારે સંબંધોના વસ્ત્ર ભીનાશથી ભર્યાં હશે, એકમેકના હાથમાંથી રંગીન સંવાદો ભર્યા, લાગણીની ખુશ્બુથી તરબતર પત્રોની આપલે થતી હશે. મીઠા ઉજાગરાની મીઠી મોસમના દિવસો રોમેરોમ ઉન્માદ જગાવતા હશે. હવે કદાચ આ બધું જ ખોવાઇ ગયું છે. સંબંધોની ભૂમિ સૂકી, ઉજ્જડ, વેરાન થઇ ગઇ છે અને રહ્યા છે માત્ર અવશેષો. ભૂતકાળની પીડા, ભૂતકાળની દુખદાયક સ્મૃતિઓનું આ કાવ્ય છે.. નાયિકા હવે એ બધું પ્રમાણમાં ભૂલી ચૂકી છે કે ભૂલવા મથે છે પણ એમ કંઇ ભૂલ્યું ભૂલાતું નથી. કદીક એ આંધીની જેમ ઊતરે છે અને વાવાઝોડાની જેમ મનને હલબલાવી જાય છે… પછી આંસુ સિવાય કોઇ સધિયારો બચતો નથી..
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 78 > 20 માર્ચ 2013

સુંદર અભિવ્યક્તિ
સુંદર
કવયિત્રી ની કાવ્યાભિવ્યક્તિ અને આપનો વિસ્તૃત આસ્વાદ ખૂબ જ સરસ.
આભાર મેવાડાજી
વાહ ખુબ સરસ રચના આસ્વાદ પણ એટલોજ ઉત્તમ
્્
ટૂંકા કાવ્યનો સરસ આસ્વાદ પણ સરસ. બંનેને અભિનંદન.
thank you Minalben
સરસ રચના,
સરસ આસ્વાદ.
આભાર ઉમેશભાઈ
એક સ-રસ અછાંદસ કાવ્ય ! સુસ્મિતા જોશી કદાચ નામ નવું છે પરંતુ કૃતિ પરિપકવ અને હ્રદયસ્પર્શી બની રહે છે
પ્રફુલ્લ પંડ્યા
સાચું.