
**
**
ઉખડી જવાની શંકા છતાં હું જામી પડું,
અને શંકા સાચી પણ પડે,
મને લોકો ‘ના’ કહેવામાં ખચકાતા નથી
તોય હું પાછું
પૂછી પણ લઉં !
બેસવા માટે તેઓ
પાછલી પાટલી આપી દે કદી
શું થયું ?
હું બેસી પણ જાઉં !
ચહેરો જોઈ, ફિક્કુ હસી, મોં ફેરવી લેનાર છે ઘણા,
એના ચહેરા સામે
પાછી ઊભી પણ થાઉં !
તમે મને વાંચો
અને ‘હુહ’ કહી પાનું ઉથલાવી દ્યો
શક્ય છે, બીજે પાને
બીજી વાતે હું ફરી પણ મળું !
મસ્તિક સાથે કાન એ જ જગ્યાએ જોડાયેલા છે
જ્યાં તમારાં છે…
હતું અઘરું તોય
આંખ આડે કાન કરવાની કળામાં
મને રસ પડ્યો.
~ કુસુમ પટેલ ‘વિવેકા’
‘આંખ આડે કાન કરવા’ એ બહુ જાણીતો પ્રયોગ છે. સીધો સાદો અર્થ એ કે જેને જે કરવું હોય એ કરે, આપણે જોવું નહીં, ધ્યાન દેવું નહીં. જ્યાં થતું હોય ત્યાંથી મોં ફેરવી લેવું. કાન તો બિચારા જોઈ શકવાના નથી અને એણે સાંભળવું પણ નહીં. ધ્યાન દેવાની વાતમાં જોવું, સાંભળવું બંને આવી જાય ને ! એટલે આ ગદ્યકાવ્ય વાંચતાં સૌથી પહેલું મનમાં જે આવ્યું તે આ “લોકો તો કહ્યા કરે, આપણે આપણું કામ કરવાનું !”
આ કાવ્યની નાયિકા પણ એવા જ સ્વભાવની છે. મૂળ વાત ધાર્યું કરવાની છે. તમે ગમે તે વિચારો પણ હું એ જ કરીશ જે મારે કરવું છે. તમે નહીં ધાર્યું હોય ત્યાં મળી જઈશ. ના પાડશો તોય ટપકી પડીશ. પાછળ રાખી અપમાન કરશો તોય હું ત્યાંથી ખસીશ નહીં ! મારી અવગણના કરશો એથી મને બહુ ફેર નહીં પડે ! હું તો જ્યાં જવું હશે ત્યાં જવાની અને રહેવું હશે ત્યાં રહેવાની ! તમે જોઈ લો, તમારે જે કરવું હોય એ કરીને ! મને કાંઇ ફેર નહીં પડે !
આ વાતને એક હકારાત્મક દૃષ્ટિકોણથી જોઈએ તો બહુ મજાની છે. સ્ત્રીઓને સહેવી પડતી મુશ્કેલીઓ કે અન્યાય સામેનો આ જડબાતોડ જવાબ છે. સ્ત્રી કે કોઈપણ, જેમની સાથે અન્યાય થાય છે સહુ કોઈ આ મિજાજ કેળવે તો એમની અડધી મુશ્કલીઓ દૂર થઈ જાય એ નક્કી ! કોઈનું સારું જોનારા કે ભલું ઇચ્છનારા લોકો ઓછા જ હોય છે. બીજાની લીટી નાની કેમ કરવી, કેમ અને કેવી રીતે બીજાને પાછળ રાખવા, અવગણવા અને પોતે આગળ નીકળી જવું, એમાં મોટાભાગના લોકોનું ધ્યાન કેન્દ્રિત રહે છે ! આવા સમયમાં પોતાની મરજી જાળવવી, સાચવવી ને સલામત રાખવી એ કળા માંગી લે છે !
‘આંખ આડે કાન’ કરવાનો અર્થ અવગણવું એવો થાય. પણ એમાં ધાર્યું કરવાની વાત નથી. અહીં આ રૂઢિપ્રયોગને એ અર્થમાં અને સરસ રીતે લેવાયો છે. માત્ર ભાવ જ નહીં, ભાષા પણ આ મિજાજને અનુરૂપ છે. એક સીધી સાદી વાતને રચનાત્મક રીતે કહેવાની કળા પણ આપણે આમાં જોઈ શકીએ !
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 340 > 17 જુલાઇ 2018

સરસ રચના… સરસ આસ્વાદ.
ખુબ સરસ રચના આસ્વાદ પણ એટલોજ ઉત્તમ અભિનંદન કાવ્ય વિશ્વ
કવિયત્રી બહેન કુસુમે ખૂબ જ સરસ પોતાની ખુદ્દારી બતાવી આપી છે, અહંને વચ્ચે લાવ્યા વગર. આપે ખૂબ જ સરસ આસ્વાદ કરાવ્યો, અને ‘આંખ આડા કાન કરવા’નો સાચો અર્થ બતાવ્યો.
મારી વાત તમે સાતત્યથી આસ્વાદ રૂપે મુકી છે. મારા કાવ્યને અહી સ્થાન આપવા બદ્દલ ખૂબ ખૂબ આભાર લતાબેન.
આનંદ છે મારો કુસુમજી.
આસ્વાદ ગમ્યો એ માટે આભારી છું, મેવાડાજી, છબીલભાઈ, ઉમેશભાઈ.