માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને….
અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે
પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને…..
સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી
એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને….
~ ઉમાશંકર જોષી
(21.7.1911 – 19.12.1988)
અમે ગીત ગગનનાં ગાશું રે,
અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ પૂજન સુણી પૂછશો તમે,
અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે..
સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી,
ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો,
વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે..
પંખી માત્રને મુનિવ્રત આપો,
ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર,
નરતંતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે..
બાળક હાલરડા માગે ને,
યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે,
આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે..
~ ઉમાશંકર જોશી
કવિ ઉમાશંકર જોશી * સ્વર : અમર ભટ્ટ

સાદર સ્મરણ વંદના..
ખૂબ સુંદર ચયન, અભિનંદન લતાબેન.
આભાર દિનેશભાઇ
બંને સરસ રચના.. કવિશ્રીને પ્રણામ.
કવિ શ્રી ઉ.જો. ને સ્મૃતિ વંદન. મબલખ સાહિત્ય ના રચનારા કવિ ને માણવા મળ્યા.
ખુબજ સરસ રચનાઓ ખુબ ગમી
ના ભૂતો ના ભવિષ્યતિ એવાં ચિરસ્મરણીય શ્રી ઉમાશંકર જોશીના વિશેષાંક પર ખૂબ ખૂબ અભિનંદન….! બન્ને કાવ્યો અદભૂત.. ! લતાબેન…! સાહિત્ય રત્નોને કાવ્ય વિશ્વના પટલ પર આપ રજુ કરી સુંદર સેવા કરી રહ્યાં છો… ! શ્રી અમર ભટ્ટ દ્રારા સુંદર પ્રસ્તુતિ… અભિનંદન…!
આભાર વંદન સુરેશભાઇ