
*હરખી ઊઠે માળો*
તારીખિયા પર રજા હોય ને હરખી ઊઠે માળો,
જાણે પાનખર વીંધી ખીલતા ગુલમ્હોર ગરમાળો,
ભોળી આંખોમાંથી ફૂટે કિરણ આશના તેજ,
જાણે આભ લાવે તડકો ને ભાંગે ઘાસનાં ભેજ,
ઘરનો ખૂણેખૂણો થાશે અનાયાસ હૂંફાળો!
ચશ્માં લૂછે ભીની આંખ કે કેમ છૂટ્યો સથવારો?
ગાડું બે પૈડાંથી ચાલે એમ ખૂટ્યો જન્મારો!
સુખ પામીને ગુમાવિયું, પણ કોણ કરે સરવાળો!?
~ પારુલ નાયક
રજાના દિવસે મન કેવું મ્હોરે એ તો નોકરિયાતને પૂછો! ને એમાંય નોકરી કરતી સ્ત્રી હોય એને તો વળી ઓર હાશ થાય. જો કે એના સિલેબસમાં બીજા પાર વગરના પ્રશ્નો હોય ખરા. પણ તોયે રજા એટલે રજા… આ ગીતની શરૂઆત જ એમ થાય છે અને એ જ ભાવ પહેલા અંતરામાં વહે છે.
બીજો અંતરો થોડો વિષાદ લઈને આવે છે. કોઇની વિદાય, કોઈનું અચાનક ચાલી જવું…. હા, એમાં પણ રૂટિનથી છૂટો ત્યારે એનો વધારે અહેસાસ થાય એય હકીકત છે પણ અંતે સમાધાન. અને સમાધાન જ જિંદગી છે. ‘કોણ કરે સરવાળો?’ જે મળ્યું, જેટલું મળ્યું એ સોનાનું. ના કરીએ કોઈ હિસાબ…. બસ જિંદગી એમ જ જીવાય બેહિસાબ….

કેમ છૂટ્યો સથવારો? જાણે મારે માટે આ સવાલ! I lost my wife age 85 just 3 weeks ago
Thank you 🙏
ઓહ ! ૐ શાંતિ
સથવારો છૂટ્યાનો વિષાદ અને એ પછીનું સમાધાન એ ભાવ સરસ રીતે વ્યક્ત થયા છે.
વાહ ખુબ સરસ નોકરી કરતી મહીલા ને રજા નુ અદકેરૂ મહત્વ હોય છે સરસ રચના ખુબ ગમી
આભાર લતાબેન હિરાણી! મારી રચનાને કાવ્ય વિશ્વમાં સમાવવા બદલ
આનંદ આનંદ
ખૂબ જ સરસ ભાવ વિશ્વ કાવ્યમાં ઝીલાયું છે.