હર્ષિદા ત્રિવેદી ~ જૂઈ જૂઈ & રેશમિયા દોરા * Harshida Trivedi

🥀 🥀

*જૂઈ..જૂઈ…જૂઈ…*

ઝાંઝરીનો ઝંકારો આંગણે ઝણક્યો ત્યાં તો
આંગણામાં પથરાણી જૂઈ..જૂઈ…જૂઈ…                                                               
હું તો એવી રે થનગનતી મૂઈ…મૂઈ…મૂઈ …

ઓરડે દોડું ને પછી ઓસરીએ આવું ,
ખીલખીલતી રોજ હું સૌને  સતાવું
આંગણું છોડું ને પછી સંતાતી સંતાતી 
થપ્પો કરીને કહું થૂઈ… થૂઇ… થૂઈ…..

મઘમઘતાં અંબોડે ફૂલ-ફૂલ ગુલ્લાબી,
ચાલું ગજગામિની ચાલ મારી મસ્તાની,
દૂર દૂર વનરાવન ટહુક્યો રે મોર
હું તો એમાં ઓગળતી છૂઈ …. મુઈ …છૂઈ

લાલચટ્ટક ઘરચોળે મોરલીયો ચિતરાવું,
ચોખલિયા ચોડી ભીના સાથિયા પથરાવું
ટીલડી ને મોતીડાં, કંકણ ને કાંબિયુંની
ભાત્યુમાં પોપટને ને તૂઈ…તૂઈ…તૂઈ …  
હું તો એવી રે થનગનતી મૂઈ ..મૂઈ …મૂઈ …

~ હર્ષિદા દીપક

એક હરખીલી હોંશીલી સ્ત્રીના મનોભાવોનો ઉછાળ રજૂ કરતું સરસ ગીત. એવી જ શબ્દાવલિ અને એવાં જ પ્રતીકો, કલ્પનો.

****

*જીવન ચકડોળ*

વાડી વંડી વીંધી વીંધી ચાદર મેં તો તાણી ….
રેશમિયા દોરાની હારે ગુંથી લીધી વાણી….

તું તું કરતાં તારું પગલું
હું હું કરતાં મારું પગલું
પગલીના થડકારે બેઠી કેવી પ્રેમ કહાણી!….
રેશમિયા દોરાની હારે ગુંથી લીધી વાણી….

જા જા કરતાં જાકારો દે
ના ના કરતાં હડસેલી ને
હાથ વગી રાખે છે જીભે સ્નેહ ભરી સરવાણી ….
રેશમિયા દોરાની હારે ગુંથી લીધી વાણી…..

હા હા માં છે મીઠી વાત્યું
લે લે કરતાં પડતી ભાત્યું
જીવનના ચકડોળે ઘૂમી દુનિયા ક્યાં સમજાણી ? ….
રેશમિયા દોરાની હારે ગુંથી લીધી વાણી…..

~ હર્ષિદા દીપક

આ ગીતમાં પણ શબ્દોનું આવર્તન ભાવને વધારે દૃઢ બનાવે છે.

જૂઈ ની સાથે છૂઈ, મૂઈ, થૂઈ, તૂઈ આમ પ્રાસમાં આવતા શબ્દો અને એના આવર્તનો એક સરસ લયહિલ્લોળ અને મજાનું સંગીત પેદા કરે છે જે ગીતનું આવશ્યક તત્ત્વ છે.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

9 thoughts on “હર્ષિદા ત્રિવેદી ~ જૂઈ જૂઈ & રેશમિયા દોરા * Harshida Trivedi”

  1. હર્ષિદા ત્રિવેદી

    નમસ્કાર
    આદરણીય લતાબેન ….
    આપે કાવ્ય વિશ્વ બ્લોગ માં મારી રચનાને સ્થાન આપ્યું સાથે આપના ભાવને પણ અહી મૂક્યા તે બદલ ખૂબ ખૂબ આભાર …
    આપની સહીત્યપ્રિતી ને સત સત વંદન ..🙏

  2. નારીની મુગ્ધાવસ્થામાં અનુભવાતી, પૂર્વાનુરાગને વ્યક્ત કરતાં બંને ગીતો સરસ છે.

  3. દિલીપ જોશી

    હર્ષિદા ત્રિવેદીને એના બન્ને ગીતો માટે ધન્યવાદ.બન્ને ગીતોની લય છટા આગવી છે.એનો ધ્વનિ ઊંડાણથી આહ્લાદ ભર્યો પામી શકાય છે.પહેલા ગીતમાં બાલિકાથી યુવાની સુધીના મનોભાવો નું ચિત્રણ અહીં સહજ શબ્દોમાં અંકિત થયેલું જોઈ શકાય છે.પુનઃ કવયિત્રી ને ખોબો ભરીને ધન્યવાદ.

  4. વિશ્વા ત્રિવેદી

    અદ્ભુત કાવ્ય રચના respected હર્ષીદા બેન ત્રિવેદી 🙏😊
    વાચી ને જાણે આખ સામે દૃશ્ય ખડું થઈ ગયું હોય એવું લાગ્યું મુગ્ધાવસ્થા નું વર્ણન ખૂબ આગવી રીતે કંડાર્યું છે.

Scroll to Top