
🥀 🥀
*મુક્તિ*
એણે સૌથી પહેલાં મંગળસૂત્ર ઉતાર્યું
પછી કાંડા પરથી લાલ-લીલી ચુડી,
માથેથી સિંદુર લૂછ્યું અને
કપાળ પરનો
મોટો લાલચટ્ટાક ચાંદલો પણ
એનાં તમામ પગલાની ચાડી ખાતી
પાયલ પણ
એણે ઉતારી બાજુ પર મુકી દીધી,
એ ઊઠી
અને માથાબોળ સ્નાન તરફ આગળ વધી.
પતિના સ્પર્શને એણે
શરીર ઉપરથી ઘસી ઘસીને ધોયો.
હા, મનની ચિંતા ન હતી,
ત્યાં સુધી તો
આમ પણ ક્યાં કશું પહોંચ્યું હતું !
અને સૌના આશ્ચર્ય વચ્ચે
એ લાલ રંગની સાડીમાં સજ્જ બહાર આવી.
લાલ રંગ ? એનો પ્રિય રંગ !
લગ્ન પછી એણે ક્યાં પહેર્યો હતો ?
પતિને નહોતો ગમતો ને !
આજે લાલ રંગમાં રંગાયેલો એનો પગરવ
ઊંબર ઠેકીને બહાર આવ્યો.
એના બે હાથ પહોંચ્યા આંગણે લટકતાં
બૂલબૂલના પિંજર સુધી.
અને હોઠ પર આછા મલકાટ સાથે
એની આંખો
પિંજરના ખુલ્લા દરવાજાને જોઈ રહી.
~ ગોપાલી બુચ
બુલબુલનાં પિંજરની વાત સુધી પહોંચ્યા પહેલાં જ વિષયનો ખ્યાલ તો આવી જ જાય છે. શીર્ષક પણ બોલે જ છે.
*****
*છત બનીને*
છત બનીને ઘર સમેટી રાખવાનું હોય છે,
જીંદગીનું પોત એમ જ સાંધવાનું હોય છે.
વારતા દિલ આપવાની એટલે અડધી રહી,
તું ન સમજ્યો તારે પણ દિલ આપવાનું હોય છે.
આખરે ખેંચી જશે એ દુર્ગતિના પથ તરફ,
વિસ્તરે જો હું પણું તો નાથવાનું હોય છે.
લડખડાતું મન સતત સમજણ ઉવેખી ભાગશે,
આયનો એને બતાવી વાળવાનું હોય છે.
સત્યને પણ શોધવાનું એટલું અધરું નથી,
ઝેર મૂકી જીભ પર બસ ચાખવાનું હોય છે.
~ ગોપાલી બુચ

વાહ વાહ Touching ધન્યવાદ
વાહ ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
સ્ત્રીની મૂક્તિની વાત હ્રદય સ્પર્શી, ગઝલ ખૂબ સરસ.
બંને કવિતાઓ ગમી. એકમાં વેદના અને પડકારજનક ભૂમિકા છે. બીજી રચનાત્મક પ્રયુકિતથી શોભાયમાન.
બંને રચનાઓ આસ્વાદ્ય