🥀🥀
*ઝીણા ઝીણા રે આંકેથી*
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા
કાયા લોટ થઈને ઊડી, માયા તોય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂનાં જાળિયા
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા
સૂની ડેલીને જોઈ પૂછશો ન કોઈ કે
અવસરિયા કેમ નથી આવતાં?
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને
એટલે તોરણ નથી રે બાંધતાં!
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા
છાપરે ચડીને મારું જીવતર બોલે તો ઈને
કાગડો જાણીને ના ઉડાડજો!
કાયાની પુણીમાંથી નીકળે જે તાર ઈને
ખાંપણ લગી રે કોઈ પુગાડજો!
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા
એકલી સળીને કોયલ માળો માનીને
જીવતર જીવી ગઈ હવે થાય શું?
ઈ રે માળામાં કોઈ ઈંડુ ના મૂકજો
મૂકશો તો હાલરડાં ગાઈ શું!
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા
~ અનિલ જોશી
🥀🥀
*ઘેટાં ખોવાઇ ગયાં*
ખોળો વાળીને સીમ ફેંદી વળી ને
હવે ફળિયે બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.
રણની રેતીમાં જો મોતી ખોવાય તો
રણને હું આંક લઇ ચાળું
ઊનના ઢગલામાં કાનટોપી દેખાય, પણ
ઘેટાંને ક્યાંય નહીં ભાળું.
નેજવું કરીને આખો વગડો જોયો ને
હવે ડેલીએ બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.
ઊનના દોરાની એક કેડી પકડીને
હું ઘેટાં ગૂંથવા બેઠી
ઘેટાંને બદલે હું હાથમોજું લૈયાવી
કેટલીયે ગૂંચ મેં તો વેઠી.
ઊનના દડાની હૂંફ આઘી હડસેલી
હવે તડકે બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.
ઊનને મેં ઘેંટાની ચામડી માની, પણ
ઘેંટાને ઊન થકી છેટું
મારું કોઇ ઠેકાણું રહ્યું નથી ક્યાંય
મારા ધાબળાનું સરનામું ઘેટું
કાળો તે કામળો ઓઢીને શેરીએ ફરવા
નીકળી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.
~ અનિલ જોશી
@@
કવિ : અનિલ જોશી * સ્વર : કૌમુદી મુનશી – વિભા દેસાઈ * સ્વરાંકન : ક્ષેમુ દિવેટીઆ

કવિ શ્રી અનિલ જોશી ની બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી
ગીતો ને ગા બંને સરસ છે. કવિને ને ગાનાર બહેનોને અભિનંદન.
વાહ વાહ.. બન્ને ગીતો ખૂબ સરસ
ખૂબ જ સરસ ગીતો, સ્વર, સ્વરાંકન ખૂબ જ સુંદર.
મીઠી યાદો ઉભરી આવી.
સરયૂ પરીખ
અનિલ જોશી is Terrific