

*નવાં ઈમેજનો આહ્લાદક અનુભવ*
કવિ શ્રી રમેશ પટેલનો મોનો ઇમેજ કાવ્યસંગ્રહ ‘સનશાઈન’ લઈને આવી રહ્યા છે એનો આનંદ અને સંગ્રહને વધામણાં.
કવિ લખે છે, ‘મોનો ઇમેજ’ સ્વરૂપ માટે મને પહેલેથી જ આકર્ષણ રહ્યું છે.’ કવિ સાથે સમ્મત થાઉં છું. આ કાવ્યસ્વરૂપ આકર્ષક છે જ. થોડા શબ્દોમાં એક ઊંડી લાગણીનું શબ્દચિત્ર ખડું થઈ જાય છે. ક્યારેક એક લાંબુ કાવ્ય પણ કદાચ ન નિરૂપી શકે એવું નિરૂપણ મોનો ઇમેજમાં મળી શકે છે. જેવી કવિની ક્ષમતા. ટૂંકું હોવાથી એની અસરકારકતા અને ચોટ વધી જાય છે.
આ સંગ્રહમાં કવિએ ઘણાં પ્રકૃતિના તત્ત્વોને આલેખ્યા છે. જેમ કે પવન, તડકો, સુગંધ, ફૂલ, પતંગિયુ, કળી, કૂંપળ, કેસુડાં, પર્ણ, ટહૂકો, આકાશ, લૂ, રણ, વાદળ, બુંદ, વરસાદ વગેરે….. તો બીજા વિષયો પણ અછૂતા નથી જેમ કે બાકસ, કેમેરો, એરપોર્ટ, રોકેટ, મિત્ર, ઉંબરો, સરકસ, કુટીર, મંદિર, કળશ વગેરે….. વિષય વૈવિધ્ય કવિની પસંદગીનું આકાશ દર્શાવે છે.
કેટલાક મોનોઈમેજ કાવ્યો જોઈએ.
પવન / રણની રેત ઉપર / લખે છે / આત્મકથા / મૃગજળની….
હવાની / દીવાલ પર / લટકાવ્યું છે / વાવાઝોડાનું ચિત્ર !
ઝાકળભીનો / તડકો / વરસાવે / સુગંધી સવાર….
એક ઇયળે / પર્ણને કાતરી કાતરી / દોર્યું / સૂરજનું ચિત્ર !
કેટલાક મોનો ઇમેજ કાવ્યો વિધાન બની ગયાં છે, જે નિવારી શકાય.
કવિના આ સંગ્રહને આનંદપૂર્વક આવકાર અને શુભેચ્છાઓ.
લતા હિરાણી (અમદાવાદ)
10.7.2024
સનશાઈન * રમેશ પટેલ * કુસુમ 2024

ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ
મોનો ઈમેજ ટૂંકો ,ચોટદાર કાવ્ય પ્રકાર છે. જો કવિની સજ્જતા ઓછી પડે તો નિષ્ફળ જવાય છે. કવિને અભિનંદન કે એ સફળ થયા છે.
ખૂબ સરસ, આવકાર