પરબતકુમાર નાયી ~ એક નામ & એમ છોકરીનું મન * Parbatkumar Nayi  

🥀 🥀

*હરખપદુડા છોકરાનું ગીત*

એક નામ જ્યાં ગજવામાં ઘાલ્યું,
પહેરણનું પંખી તો હેન્ગરથી છટકીને આકાશે ઉડવાને ચાલ્યું !

આખી સોસાયટી અચરજથી પૂછે કે તાજો બગીચો ક્યાંથી લાવ્યા ?
છોકરો મલક્યો કે ડામરને રોડ નહીં કાચા મારગમાંથી આવ્યા !
ઓડી-ઇનોવાના મોહ બધા મૂકી દઇ માફાળા ગાડાને ઝાલ્યું !

જીન્સના જંગલમાં ઘાઘરીની ઉઠ-બેસ એવી તો મીઠડી લાગે,
પેપ્સી ને લીમ્કાના સ્વાદ સૌ ભૂલીને દૂધની થેલીઓ માગે !
તંબોળી પાનનું આખુંયે ઝાડ એક બારીની પછવાડે ફાલ્યું !

~ પરબતકુમાર નાયી

એક દમદાર કલમનું અનોખું ગીત.

જિન્સના જંગલમાં ઘાઘરીની ઊઠબેસ આંખને નરવી કરે એમાં કોઈ શંકા નહીં તો ઓડી-ઇનોવાની સાથે માફાળા ગાડાની સરખામણી કવિતામાં કેવી રંગત જમાવે છે….

****

*છોકરીનું મન*

એમ છોકરીનું મન ક્યાંથી જાણીએ ?
છોકરીનું મન એ તો દરિયો અતાગ, એમાં ડૂબકી મારીને જરા માણીએ.

છોકરાને તાગવી છે તળિયાંની રેત, કશો જાદુ દેખાય એવા લોભે,
છોકરીની મુઠ્ઠીમાં શંખલાં ને છીપલાંય મોતીથી અદકેરાં શોભે,
આછા અણસારે જે માછલી વીંધાય એને તીરનાં નિશાન શીદ તાણીએ ?

છોકરીને કોઈ વાર એવુંય થાતું, ચાલ જઈ બેસું કૂવાને કાંઠે
ઓરડાથી, ઉંબરથી, દૂર જઈ જોઉં કે બાંધ્યું શું કમખાની ગાંઠે ?
ખોલીને ગાંઠ ઝીણી આંખથી જુએ તો એની પાંપણ છલકાઈ જતી પાણીએ.

~ પરબતકુમાર નાયી

હરખપદૂડો છોકરો જરા ગંભીર થાય તો આમ વિચારે !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

11 thoughts on “પરબતકુમાર નાયી ~ એક નામ & એમ છોકરીનું મન * Parbatkumar Nayi  ”

Scroll to Top