એષા દાદાવાળા ~ ત્રણ કાવ્યો * Esha Dadawala

🥀 🥀

*એ દિવસે*

એ દિવસે-
એણે મમ્મીનો દુપટ્ટો લીધો
અને એની સાડી પહેરી.

કપાળ પર મમ્મી કરે છે બરાબર એવો જ
મોટ્ટો લાલ ચટક ચાંદલો કર્યો.

-બરાબર નાની મમ્મી જ જોઈ લો.

પછી એણે બધી ઢીંગલીઓ ભેગી કરી
અને એનાં એ આખાં વિશ્વને
કપબૉર્ડમાં લૉક કરી દીધું.

હવે એની આમતેમ અટવાઈને પડેલી
ઢીંગલીઓ માટે

મમ્મીએ એને ખિજવાવું નહિ પડે.
કારણ-

હવે એને ઢીંગલીઓ કરતાં
સપનાંઓ સાથે રમવામાં વધારે મજા પડે છે…!
અને ફર્શ પર આમતેમ અટવાઈને પડેલાં સપનાં

મમ્મીને દેખાય થોડાં ?

જોકે-
લોહી જોઈને ચીસ પાડી ઊઠેલી,
તેર વર્ષની નાની અમથી ટબુકડીને
મમ્મીએ બાથમાં લીધી ત્યારે-

એનામાંની સ્ત્રીએ એ દિવસે ઉત્સવ ઉજવેલો
અને એનામાંની મમ્મી

એની અંદર જ ઢબુરાઈ ગયેલી ક્યાંક…!

પણ
હવે મમ્મીએ દીકરીને શીખવી દીધું છે-
આપણી આંખ સામે ખુલ્લી પડેલી દુનિયામાં

આપણાં જેવાં જ સારાં માણસો પણ છે જ…
અને મમ્મીએ

સારાં માણસો ઓળખી શકે
એવી પોતાની આંખો દીકરીને પહેરાવી પણ દીધી છે…!

અને એટલે જ-
હવે મમ્મી બહુ ખુશ છે
દીકરીને જન્મ આપ્યાના તેર વર્ષ પછી
એને એક નવી બહેનપણી મળી છે ને, એટલે…!  

~ એષા દાદાવાલા

ગઝલના ભરચક શોરમાં સફળ, અસરદાર, ચોટદાર અછાંદસ કાવ્યો લખવાં સહેલી વાત નથી. અલબત્ત આવા સધાયેલા કવિઓ માટે સહજ ખરું. એક દુખતી રગ પકડીને કે પછી કે ક્યાંક ટકોરવા જેવું લાગે એ વિચારને કવિતામાં ઢાળી અંતે એક ભૂલી ન શકાય એવી વિશેષ અસર છોડી જાય એ અછાંદસ.

સહજ ભાષા એનું શસ્ત્ર અને સરળતા એનું શાસ્ત્ર. એટલે જ જો થોડીક સજાગતા સાથે વાંચીએ તો લોહી સોંસરવું એ વહેવા લાગે એ નક્કી.

આજ એષા દાદાવાળાના આવા કાવ્યો માણીએ. સ્વાસ્થ્યથી ભરપૂર કડવા કે મન ઠારતા મીઠા સ્વાદથી ભરપૂર આ કાવ્યોને કોઈ આસ્વાદિક નોંધની જરૂર નથી જ….

🥀 🥀

*એક વેક્સિન*

એક વેક્સિન મારે પણ શોધવી છે….
બોરિયત-રોજીંદી ઘટમાળમાં ફસાઇ ગયેલાઓને
બહાર કાઢે એવી…

કૂકરની ત્રીજી સીટીએ
રસોડામાં દોડી જતી સ્ત્રીઓને થોડી પળો માટે
ગણતરીઓ ભૂલાવી દે એવી…

પિસ્તાળીસમાં વર્ષે માથા પર બેસી રહેલી સફેદીને
મેઘધનુષી રંગે રંગી નાંખે એવી…

ભૂલી જવા જેવી પણ યાદ રહી ગયેલી ઘટનાઓને
યાદ-દાશ્તમાંથી બાકાત કરી આપે એવી…

કિસ્મતે હિસ્સામાં નહીં મૂકી આપેલી
પળો-ઘટનાઓ અને વ્યક્તિઓને
મનનાં દરવાજેથી “ગેટ આઉટ” કહી શકે એવી….

“એ” પાસે હોય ત્યારે સમયને અટકાવી દે
અને
“એ” પાસે ન હોય ત્યારે સમયને દોડાવી દે એવી….

દીકરીની પિંક હેરબેન્ડનાં
ખોટ્ટા પતંગિયાને સાચ્ચું કરી આપે એવી….

ઘરડાં થતા જતા મા-બાપની આંખોમાંથી
પ્રતીક્ષાને બાદ કરી આપે એવી…

એક વેક્સિન મારે પણ શોધવી છે
ચહેરા પર પહેરી રાખેલા,
પહેરવા પડેલા તમામ માસ્ક ઉતારી આપે
અને વિના માસ્કે-જેવા છીએ એવા જ
આપણને સૌ સ્વીકારી લે એવી…!!!

~ એષા દાદાવાળા

🥀 🥀

*જોઈએ છે એક ઝાડ !*

જોઈએ છે એક ઝાડ !
જેની ડાળી પર પંખીઓના માળા
ન હોય તો ચાલશે,
પણ એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ !
બારેમાસ લીલું ને લીલું રહેતું હોય એવું-

ઊચું-બીજા માળે આવેલા ફલેટની
મારી બાલ્કની સુધી પહોંચી શકે એટલું !
અને ઘટાદાર પણ જોઈએ જ,
જેનાથી બાલ્કનીનો વ્યૂ તો સુધરી જ જાય
પણ જેને બતાવીને
અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
ગ્રીનરી પર એસે પણ લખાવી શકાય !…

~ એષા દાદાવાળા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “એષા દાદાવાળા ~ ત્રણ કાવ્યો * Esha Dadawala”

  1. અછાંદસ ધારવા કરતાં અઘરી કાવ્ય કળા છે ‌એમાં માહેર અને સ્ત્રીની સંવેદનાઓને સુંદર રીતે રજૂ કરી શકનાર કવયિત્રી એશા જીને અભિનંદન.

Scroll to Top