ભાણદાસ ~ ગગનમંડળની ગાગરડી * Bhandas

🥀 🥀

*ગગનમંડળની ગાગરડી*


ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે.

તેણિ રમિ ભવાની રાસ, ગાઉં ગુણ ગરબી રે;
દિનમણિ સૂર્ય દીપક કર્યું, ગુણ ગરબી રે;
માંહિ ચંદ્ર તણું પરકાસ, ગાઉં ગુણ ગરબી રે.

પૃથ્વીપાત્ર ત્યાંહાં કોડીઉં, ગુણ ગરબી રે;
વાતી પરવત મેર, ગાઉં ગુણ ગરબી રે.
સાતિ સાગર તેલ ભર્યું ગુણ ગરબી રે.

માંહી મુગતાફલ ચુફેર, ગાઉં ગુણ ગરબી રે.

થાવર જંગમ ભસ્મ ભર્યું ગુણ ગરબી રે,
સુંદર સકલ વિભાગ, ગાઉં ગુણ ગરબી રે;
સર પરિ ગાદી કછપની, ગુણ ગરબી રે.

ઉંઢણી શેષ નાગ, ગાઉં ગુણ ગરબી રે.

ગાગરિ ઉપરિ ઢાંકણું, ગુણ ગરબી રે.
અંબર એક અપાર, ગાઉં ગુણ ગરબી રે.
તેત્રીસ કોટિ વિવર કર્યાં, ગુણ ગરબી રે,
તેજ તણું નહિ પાર, ગાઉં ગુણ ગરબી રે.

ત્ર્યણ્ય ગુણો થઈ ગુણવંતી, ગુણ ગરબી રે,
દૂઝિ પરમ નિધાન, ગાઉં ગુણ ગરબી રે.
અહર્નિસિં અમૃત ઝરિ ગુણ ગરબી રે,
જગત કરિ છિ પાન, ગાઉં ગુણ ગરબી રે;

વિવિધ પિરિ વરસી રહી, ગુણ ગરબી રે;
ધર્મ અરથ નિ કામ, ગાઉં ગુણ ગરબી રે.
ચ્યાર વેદ પરગટ થયા, ગુણ ગરબી રે,
વિશ્વ તણું વિશ્રામ, ગાઉં ગુણ ગરબી રે.  

ત્રહિણ્ય મૂરત્ય ગાગર મહીં, ગુણ ગરબી રે;
હરિ બ્રહ્મા નિ ઈસ, ગાઉં ગુણ ગરબી રે.
સદાકાલ સહજિં ધરિ, ગુણ ગરબી રે, 
ગૌરી ગાગરિ સીસ, ગાઉં ગુણ ગરબી રે,

આદિ સકત્ય અવીગત તાણી, ગુણ ગરબી રે,
રમિ રસાલુ રાસ, ગાઉં ગુણ ગરબી રે;
ચઉદ લોક મોહ પામિયા, ગુણ ગરબી રે,
ઇંમ કહિ છિ ભાણદાસ, ગાઉં ગુણ ગરબી રે.

~ ભાણદાસ (ઈ. ૧૭મી સદી મધ્યભાગ)

આદ્ય શક્તિના આરાધક આ કવિની કવિતા તત્ત્વજ્ઞાનયુક્ત છે. એમણે અસંખ્ય ગરબીઓ લખી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “ભાણદાસ ~ ગગનમંડળની ગાગરડી * Bhandas”

Scroll to Top