
🥀 🥀
*ગરબી*
મા તું પાવાની પટરાણી કે, કાળી કાળિકા રે લોલ.
મા તારો ડુંગરડે છે વાસ કે, ચડવું દોહ્યલું રે લોલ.
મા તારા મંડપની શોભાય કે, મુખથી શી કહું રે લોલ.
મા ત્યાં તપ કરતા દીઠા કે, વિશ્વામિત્ર ઋષિ રે લોલ.
મા તારા ડાબાજમણા કુંડ કે, ગંગાજમના સરસ્વતી રે લોલ.
મા તારાં કૂકડિયાં દશવીશ કે, કોઈ રણમાં ચઢે રે લોલ.
લીધાં ખડ્ગ ને ત્રિશૂલ કે, અસુરને મારિયો રે લોલ.
ફાટી ઉદર નીકળ્યાં બહાર કે, અસુરને હાથે હણ્યો રે લોલ.
આવી નોરતાંની નવરાત્ર કે, મા ગરબે રમે રે લોલ.
માએ છૂટા મેહેલ્યા કેશ કે, ફૂદડી બહુ ફરે રે લોલ.
માજીએ સો સો સજ્યા શણગાર કે, રમિયાં રંગમાં રે લોલ.
ઓઢી અંબર કેરી જોડ કે, ચરણા ચૂંદડી રે લોલ.
માએ કરી કેસરની આડ કે, વચમાં ટીલડી રે લોલ.
સેંથે ભરિયો છે સિંદૂર કે, વેણ કાળી નાગણી રે લોલ.
માને દાંતે સોનાની રેખ કે, ટીલીની શોભા ઘણી રે લોલ.
પાયે ઝાંઝરનો ઝમકાર કે, વાગે ઘૂઘરા રે લોલ.
આવું રૂડું ચૌટુ ચાંપાનેર કે, વચમાં ચોક છે રે લોલ.
ગરબો ગાયે છે વલ્લભ કે, સેવક માનો રહી રે લોલ.
માજી આપજો અવિચળ વાણ કે, બુદ્ધિ છે નહીં રે લોલ.
~ વલ્લભ ભટ્ટ (ઈ. 18મી સદી પૂર્વાર્ધ)
ગરબા અને ગરબી માટે જાણીતા. આ કવિના ગરબા ગાવાની પરંપરા આજે પણ ગુજરાતના ખૂણેખાંચરે જોવા મળશે. માતાની ભક્તિ અને શક્તિની ઉપાસના એ એમની કૃતિઓના કેન્દ્રમાં છે.
સ્રોત : બૃહત ગુજરાતી કાવ્યસમૃદ્ધિ સં. સુરેશ દલાલ
ગરબા/ગરબીના રચયિતા વલ્લભ મેવાડાનું પ્રદાન નોંધપાત્ર છે.
ખુબજ સુંદર શક્તિ વંદના પ્રણામ
શક્તિ ઉપાસનાના વલ્લભ મેવાડાનું ગરબી/ગરબાનું પ્રદાન નોંધપાત્ર છે.