🥀 🥀
*તડકો*
આ ઠરી ગયો શું તડકો !
નરમ નરમ પણ નથી ગરમ એ,
જરા જુઓને ! આંગળીએથી અડકો !
અંદર રંગીન ફૂલોવાળું,
પીળે કાચ મઢેલ સુંવાળું,
પેપર વેઈટ રચેલ રુપાળું,
કોના ટેબલ ઉપર દાબ્યા
કાગળીઆ શા ખડકો ?
હરિયાળી આ નીલ રકાબી,
ઉપર મેલી કેક ગુલાબી,
આસમાન ઝૂકે શું રુંવાબી.
મિજબાનીને મેજ આવીને
ચાખી જુઓને કડકો !
~ પિનાકીન ઠાકોર (24.10.1916 – 24.11.1995)
🥀 🥀
*સરવર છલકી છલકી ચાલ્યાં*
કે સરવર છલકી છલકી ચાલ્યાં
શરદની રાતનાં હો રાજ;
કે ચાંદનીએ ચીતરી ચીતરી
મેલ્યાં પૂનમની રાતનાં હો રાજ
આભે વેરાય મોગરાની કળી કળી,
સરતી ઝરતી એ જાય ધરતીએ ઢળી ઢળી,
કે મન એનાં મલકી મલકી મ્હાલ્યાં
શરદની રાતનાં હો રાજ
એને હું જોઉંને ન મનમાં આનંદ માય,
એનો ઉલ્લાસ મારે રોમ રોમ રમી જાય,
કે અમરત નીતરી નીતરી રેલ્યાં
પૂનમની રાતનાં હો રાજ…
~ પિનાકીન ઠાકોર (24.10.1916 – 24.11.1995)
🥀 🥀
ગાઓ મંગલ ગીત સજન હો !
સૂર સરસ આ સાજ સુમધુરાં,
કંઠ વહાવો પ્રીત સજન હો !
ગાઓ….
આજ સ્હવારો કેશર વરણી,
અરુણ ઉષા બેલડીએ !
સાંજ ખુલે સોના ફૂલ ઝરણી,
રાતો શત રસ ઝડીએ :
સકલ સમય હો ઈન્દ્રધનુ સમો,
ક્ષણ ક્ષણ રસ રંગીત સજન હો.
ગાઓ….
ફૂલ ફૂલ ફાગણ અનુરાગી,
કળી કળીએ માઘ;
પલ્લવ પલ્લવ શરદ સુહાગી,
વને વને આષાઢ
ઋતુએ ઋતુએ રાગ હ્રદયના
મધુગંધે મુખરિત સજન હો
ગાઓ….
મ્હાલો આજ મળ્યો મોંઘેરો,
અવસર આ અણમૂલો;
નાચો કુમ કુમ પથ પથ વેરો,
હરખ હિલોળે ઝૂલો :
આભ ધરાને ભરી દો પાગલ
હ્રદય ભર્યે સંગીત સજન હો
ગાઓ….
~ પિનાકીન ઠાકોર (24.10.1916 – 24.11.1995)
🥀 🥀
*સ્વાતિ*
હે સચર અચર સ્વાતિ નક્ષત્ર,
એક એક બિન્દુ મહીં તારો
અવની આગમ પત્ર
મેઘતણાં જલ ઋતુએ વરસે,
સ્વાતિ પણ એક જ પલ પરશે.
એવો સ્પર્શ વરદ નવ પાવન.
હે મન આજ નિમંત્ર !
એક એક બિન્દુ અવ તલસે,
એવી એક અગોચર તરશે,
અવર નીર એનાં નહીં શામન
માત્ર તુંહિ તુંહિ મંત્ર
~ પિનાકીન ઠાકોર (24.10.1916 – 24.11.1995)
