
🥀 🥀
*તને*
જિંદગીના જામમાં બોળું તને.
આવ, મારા શ્વાસમાં ઘોળું તને.
શાંત જળમાં ચંદ્ર સમ રોપ્યા પછી,
કાંકરી મારું અને ડહોળું તને.
હું જ ડૂબી જાઉં તારામાં પ્રથમ,
એ પછી ચોમેર હું ખોળું તને.
એમ મારાથી તને જોવાય ક્યાં?
જે રીતે જોયા કરે ટોળું તને.
બાંધ તું મીંઢોળ માનીને મને,
હુંય પીઠી જેમ લે, ચોળું તને.
તું કહે છે કે મને કિંમત નથી,
પ્રાણ છો તું, કઈ રીતે તોળું તને?
જે પળે વિચાર તારા હોય નહિ,
એ પળે હું રોજ વાગોળું તને.
ચોરખિસ્સું કેમ જાણે હોય તું,
રાત દિ’ હું એમ ફંફોળું તને.
એક ચમચી પ્રેમનો રસ પી ‘અગન’
લાગતું હો જો બધું મોળું તને.
~ ‘અગન‘ રાજયગુરુ
પ્રથમ શેરથી જ અંજાય જવાય એવી પ્રેમની તીવ્રતા વ્યક્ત થઈ છે અને એ જ પ્રવાહ અંત સુધી જળવાય છે. કોઈ કૃતકતા વરતાય નહીં એ કાવ્યની સફળતા છે. એવી જ રીતે પ્રાસરચના પણ સંતર્પક નીવડી છે.
🥀 🥀
*રસ્તો ન થઈ શક્યો*
રસ્તો ન થઈ શક્યો તો કેડી કરીને ચાલ્યો
મારા બધા ઉચાળા મનમાં ભરીને ચાલ્યો
પ્હોંચી શક્યા ન વ્હાણો ઊંડાણના અભાવે
મછવો જરાક જેવો ત્યાંથી તરીને ચાલ્યો
પગલાં ન જાણે કોના આ રેત પર પડ્યા છે
જેની નજીકમાંથી દરિયો સરીને ચાલ્યો
મંઝિલની લાજ માટે એવુંય મેં કર્યું છે
સીધા સપાટ રસ્તે દિલથી ડરીને ચાલ્યો
સારા સમય વિશે તો એવો થયો અનુભવ
જાણે કોઈ સિતારો નભથી ખરીને ચાલ્યો
એથી વધુ શું ઈજ્જત અંધારને હું આપું?
પોતે ‘અગન’ છું તોયે ફાનસ ધરીને ચાલ્યો
~ ‘અગન’ રાજ્યગુરુ
સરસ ગઝલ…. મોટા ભાગના શેર હૃદયને સ્પર્શી જાય છે.
ખૂબ ખૂબ આભાર કાવ્યવિશ્વ
ધન્યવાદ લતાબેન🙏💐
આનંદ આનંદ ભાઈ.
ખુબજ સરસ બન્ને રચનાઓ
બન્ને ગઝલો સરસ છે
ખુબજ સરસ બન્ને ગઝલ
વાહ અફલાતૂન
તૃપ્ત થવાય એવી સરસ ગઝલો
ખૂબ સરસ ગઝલ
ખૂબ સરસ 🌹
ખૂબ જ સરસ ગઝલો, વાહ, સુંદર શબ્દો ચયન.