ડો. મુકેશ જોશી ~ આ હૃદય ધબકાર * Dr. Mukesh Joshi

*કોણ છે કહેવાય નહીં*

આ હૃદય ધબકાર પરથી કોણ છે કહેવાય નહીં;
શ્વાસની દરકાર પરથી કોણ છે કહેવાય નહીં.

બાણ જો લાગે નિશાને તો પછી કહેવાય પણ-
એમ બસ ટંકાર પરથી કોણ છે કહેવાય નહીં.

સિંહ કે શિયાળ છે? એમાં સમય તો લાગશે;
એક બે પડકાર પરથી કોણ છે કહેવાય નહીં.

એક પણ ઉત્તર તને આપી શકે તો માનજે;
પ્રશ્નની ભરમાર પરથી કોણ છે કહેવાય નહીં.

દે તને વરદાન ત્યારે ઈશ જેવું લાગશે;
એકલા શણગાર પરથી કોણ છે કહેવાય નહીં.

જો, શિખંડીની પરખ તો ભીષ્મ સામે થાય છે;
યુદ્ધના લલકાર પરથી કોણ છે કહેવાય નહીં.

રોજ બદલાતા રહે એના ઘટક એ શક્ય છે;
આજની સરકાર પરથી કોણ છે કહેવાય નહીં!

વાદળાં દેખાય એવાં ક્યાં વરસતાં હોય છે?
વીજના ચમકાર પરથી કોણ છે કહેવાય નહીં.

અર્થને મારો ટકોરો, એ પછી સમજાય છે;
શબ્દના રણકાર પરથી કોણ છે કહેવાય નહીં.

~ ડૉ. મુકેશ જોષી

આશંકા, અનિશ્ચિતતાથી ભરેલું આ વિશ્વ. ડગલે ને પગલે ચકાસવું જરૂરી. ભ્રમ અને માયા માનવીને ભૂલાવે છે. કવિની સાથે સમ્મત થવું પડે, એમાં ના નહીં.

આ વાસ્તવિકતા હોવા છતાં વિશ્વાસ વગર જીવાય કેમ? મનમાં ક્યાંક ‘એ જ છે’ ‘એ જ છે’નું રટણ રાખવું તો પડે.

‘કોણ છે?’ ને ટકોરા મારવા કવિએ અનેક સફળ પ્રતીકો યોજયાં છે. આ છેલ્લો શેર ‘અર્થને મારો ટકોરો, એ પછી સમજાય છે; શબ્દના રણકાર પરથી કોણ છે કહેવાય નહીં’ વધુ ગમ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “ડો. મુકેશ જોશી ~ આ હૃદય ધબકાર * Dr. Mukesh Joshi”

  1. અશોક શર્મા

    શણગાર પરથી કોણ છે કહેવાય નહીં!
    બહુ સચોટ વ્યંગ!

  2. ડૉ. મુકેશ જોષી

    મારી ગઝલને દાદ આપનાર સૌ સર્જકો, ભાવકોનો દિલથી આભાર.

Scroll to Top