🥀 🥀
કૂર્માવતાર
અહીં અમેરિકામાં
નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે:
–હવે શું ?
ભારત જઈ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય તેમ નથી
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં
અમે બધા
સિટી વિનાના
સિનિયર સિટીઝન.
અમે છાપાં વાંચીએ
–પણ કેટલાં ?
અમે ટેલિવિઝન જોઈએ
–પણ કેટલું ? ક્યાં લગી ?
સ્થિર થઈ ગયેલો સમય
અસ્થિર કરી મૂકે છે અમને
–અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ
દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય
ત્યારે
એ અવતારને શું કહેવાય ?
~ પન્ના નાયક
🥀 🥀
તને પ્રેમ કર્યો હતો
એ
ભૂલી જવા
મેં
આપણા હાસ્યના ફુવારા
મુશળધાર વરસાદમાં ભેળવી દીધા,
આપણી વિશ્રંભકથા
પતંગિયાંઓની પાંખ પર મૂકી દીધી,
અને
આપણા આશ્લેશની નિકટતા
તાજા જ પડેલા સ્નોને સોંપી દીધી.
હવે
હું
સ્મૃતિરહિત.
~ પન્ના નાયક

તીવ્ર સંવેદનની કેટલી સહજ અભિવ્યક્તિ…
બન્ને રચનાઓ વેઘક ધન્યવાદ
ખુબજ સચોટ વ્યથા કાવ્ય મા રજુ થઈ છે વ્રુધાવસ્થા મા સમય કોઈ રીતે પસાર થતો નથી સરસ રચનાઓ ખુબ ગમી
બન્ને કાવ્યો ખૂબ ગમ્યાં… પણ પહેલાં કાવ્યમાં વડીલોની વ્યથા આબેહુબ પ્રગટ કરી છે… પણ એક વાતની ભારત દેશમાં સગવડ છે કે જો વિદેશમાં બે ત્રણ કરોડ કમાઈ લીધાં હોય તો અહીં એવી ઘણી વસાહતો હોય છે જ્યાં વડીલોની બધી જરૂરિયાતો પૂરી થઈ જાય છે…જ્યાં મિત્રો પણ મળીશજાય છે..સાથ સબ કા વિશ્વાસ
સાચું કહ્યું સુરેશભાઇ
ડાયાસ્પોરા કવિ, સાહિત્યકાર ની રચનાઓ ત્યાં ના સામ્પ્રત સમયના વડિલોની સંવેદના ને વાચા આપે છે. કવયિત્રી પન્નાજીનુ નામ શિરમોર.
વિદેશીની વ્યથાકથા આલેખતી રચનાઓ સમસંવેદના સુધી ભાવકને પણ લઈ જાય છે.
બંને કાવ્યો સચોટ માનસિકતા પ્રગટ કરે છે. ભાષાનાં ભભકા વગરની નિતાંત લાગણી વધુ અસરકારક લાગી.👌👌