જાગી ઊઠે છે રાતના મોડેથી પીર જેમ,
મારામાં કોણ હોય છે બીજું શરીર જેમ ?
સાંજે મળીને થાઉં છું હું યે ભર્યો ભર્યો,
તું યે હસે છે ફૂલમાં વહેતા સમીર જેમ.
આવીશ ત્યારે સાંજના ઢગલો થઈ જઈશ,
નીકળું છું ઘરની બહાર હું છૂટેલા તીર જેમ.
ભાગી રહેલા લોકને ફુરસદ નથી જુએ,
સૂરજ સવારે શહેરમાં ફરશે ફકીર જેમ.
ગ્રંથો ભરાય એટલાં સ્વપ્નાં ઘડ્યાં અમે,
ખાલી હતા આ હાથ પણ જીવ્યા અમીર જેમ
~ કૈલાસ પંડિત
(23.12.1941 – 8.11.1994)
ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.
તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.
ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.
પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.
~ કૈલાસ પંડિત (23.12.1941 – 8.11.1994)

👌👌👌👌
બંને ગઝલો ચોટદાર અને અસરદાર
કવિને સલામ
સ્મૃતિ વંદન કવિ શ્રી ને. સરસ ગઝલો છે.
સુંદર રચનાઓ…..ફરીથી કહું સુંદર રચનાઓ
કવિ શ્રી ની ખુબ સરસ રચનાઓ ખુબ ગમી સ્મ્રુતિવંદન