

🥀 🥀
એવું વિચારી તાપણું કરતાં અમે.
થીજી ત્વચાનું પારખું કરતાં અમે.
થાકી શકાતું એટલું થાકી જતાં,
અટકી જવા બસ આટલું કરતાં અમે.
વાસી તમાકુ હોય તો પણ ચાલતું,
બંધાણ એવા ફાલતું કરતાં અમે.
ખાંસી, બગાસું, છીંક અથવા હેડકી,
આવે તો એનું કાટલું કરતાં અમે.
ક્યારેક તો ક્યારેકથી આગળ વધી
ક્યારેકનું મન માનતું કરતાં અમે.
પોતે જ પોતાના થવાના મોહમાં,
પોતાપણું પણ પારકું કરતાં અમે.
ઘાટાં થયેલા રક્તને જીવાડવા,
ખપ હોય એવું પાતળું કરતાં અમે.
~ વારિજ લુહાર
શબ્દાર્થ અને ભાવાર્થની વચ્ચે કવિતા કેવી વહે છે ? ‘તાપણું કરવું’ પૂરી ભૌતિક બાબત, એને ‘થીજી ત્વચાનું પારખું’ કરવાની વાત જોડી એક જુદી જ અર્થછાયા ઊભી થઈ છે. (અલબત્ત અહીં ‘તાપણું’ અને ‘પારખું’માં મુક્ત કાફિયા છે, ચુસ્ત નથી છતાંય) જે કહેવાયું છે એ વાત શબ્દોના છાંયે ખૂબ સરસ ઊગી છે. આસપાસની દુનિયા જ એવી છે કે ‘થીજી ત્વચા’ સંવેદના બુઠ્ઠી થતી જાય ત્યારે પોતાની પરીક્ષા કરતા રહેવાની વાત છે. પોતાને તાપણે તપાવવાની વાત છે. અલબત્ત ઠંડી ઉડાડવા તાપણે તાપવાનું હોય પણ ગઝલમાં આપણે એને વધારે આકરું સમજી શકીએ.
‘વાસી તમાકુ’ કે ‘ખાંસી બગાસું’વાળા શેર ગંભીર ભાવધારામાં અડચણ કરે છે. પણ એ સિવાય બધા શેર સરસ. અંતે ફરી ‘ઘાટા થયેલા રક્ત’ની વાત કરી કવિ મૂળ પ્રવાહે પહોંચી જાય છે.
🥀 🥀
ઝૂમશે-ગાશે તળેટી ટોચ પર વરસાદ છે,
આપણે મળશું મજેથી ટોચ પર વરસાદ છે.
સાવ થાકેલા સમયની કાટ લાગેલી ક્ષણો,
લાગશે સોને મઢેલી ટોચ પર વરસાદ છે.
પાંપણો છલકી જશે ને હોઠ પણ ભીનાં થશે,
ના કશી ચાલે અવેજી ટોચ પર વરસાદ છે.
પાઈ શકશે એ મને જો નીતરેલી શક્યતા,
હાથ ના રહેશે હથેળી ટોચ પર વરસાદ છે.
એટલે તો સાદ આવે ખૂબ ઊંડેથી હવે,
ટોચ છે ટોચે ચડેલી ટોચ પર વરસાદ છે.
~ વારિજ લુહાર
🥀 🥀
રમતાં રમત અટકી પડી સારું થયું.
શરતો બધી અઘરી પડી સારું થયું.
શેવાળ વીંધીને નદી આગળ વધી,
એ છેવટે ફસકી પડી સારું થયું.
આ જિંદગીને ઝટ જવું‘તું સ્વર્ગમાં,
મોડી જરા અરજી પડી સારું થયું.
પંપાળવી ગમતી હતી પીડા બધી,
એ પણ પછી વસમી પડી સારું થયું.
જેને થવું‘તું. સંત જે-જે વાતમાં,
એ વાત સૌ ભટકી પડી સારું થયું.
~ વારિજ લુહાર
🥀 🥀
તળેટીનો તાગ જે પામી શકે,
શિખર પર સ્થિરતા સ્થાપી શકે.
નથી માંગ્યું માંગવા જેવું કદી,
એ જો ધારે તો બધું આપી શકે.
કરી લે સમથળ જે એનું આંગણું,
ગમે ત્યારે મોજથી નાચી શકે.
અહંકારો ગિરવી મૂક્યા પછી,
કરજ જેવું ના કદી લાગી શકે.
તજી દીધી હોય જો માયા બધી,
ન ઘર છોડી એ કશે ભાગી શકે.
~ વારિજ લુહાર
🥀 🥀

વારીજભાઈ ની ખુબ સરસ રચનાઓ ખુબ ખુબ ગમી અભિનંદન
આભાર છબીલભાઈ
ખૂબ ખૂબ આભાર.. આનંદ
વાહ..સરસ ગઝલો..અભિનંદન💐💐
Thanks
વાહ ખુબ સરસ, અભિનંદન 🌹💐
Thanks Daya Bhai
સાવ થાકેલા સમયની કાટ લાગેલી ક્ષણો,
સરસ રચનાઓ.
સરયૂ પરીખ
Thanks
વારિજભાઈની ગઝલો ગમી. ટોચ પર વરસાદ છે જેવી તાજગીસભર ગઝલો વાંચવા મળે એની ખુશી છે.
તાજગી સાભાર ગઝલોનો મજાનો ગજરો મળી ગયો!