🥀 🥀
લ્યો આવજો ત્યારે,
અહીંથી અલ્વિદા…
તમારા સાથની સીમા અહીં પૂરી થતી.
જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના –
તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના !
જરા પાછું વળી જોયું –
તમારી વ્હેલને છેડે લટકતો દીવો
‘ના, ના’ કહેતો’તો
છેલ્લી પળોને દાબતી ભીની હથેલીના સમો !
નિસ્પંદ આ સીમાન્ત વૃક્ષે
કાળ પાંખો બીડીને થીજી ગયો,
એકાંતને અંગે લપેટી સર્પ–શો અંધાર પણ
અહીં ગૂંછળું થઈને કશો થીજી ગયો !
શિશુની આંખના ડૂમા સમો આ પથ…
વિસામાની હવે કોઈ રહી ના ખેવના
તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના.
– જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના !
~ રમેશ જાની (14.11.1925 – 18.3.1987)
🥀 🥀
મારે ઘણીયે વાત કરવી’તી તમારી સાથ
પણ કૈં યે કહેવાઈ નહીં;
એકલો જ્યારે પડ્યો, તો જાત સ્હેવાઈ નહીં.
કેટલાયે રાહગીરોને મળી ભેટ્યો, ભરીને બાથ
ને એમની સંગાથ હું ચાલ્યા કર્યો, બોલ્યા કર્યો…
પણ કથા કૈ કૈ કરી, ક્યારે કરી –
ખુદને જ સમજાઈ નહીં.
આંખનીયે કેવી આ લીલા કહો,
ચન્દ્ર, સૂરજ, તારકો જોયા કર્યા,
વૃક્ષ, વેલી, ફૂલડાં જોયા કર્યાં,
પણ મનભરી જોવું હતું જે, તે જ જોવાયું નહીં.
હૈયા તણીયે કેવી આ લીલા કહો,
કે મનભરી રોવું હતું જેની કને
રે ત્યાં જ રોવાયું નહીં,
જેહને કહેવું હતું તેને જ કહેવાયું નહીં,
જેની સદાયે પાસ રહેવું’તું – રહેવાયું નહીં.
ને બધાની સાથ હું ચાલ્યા કર્યો, ચાલ્યા કર્યો….
બોલ્યા કર્યો, બોલ્યા કર્યો…
~ રમેશ જાની (14.11.1925 – 18.3.1987)
🥀 🥀
આવડા ઉરની માંડવી તે શી વાત!
આવડા ઉરની છાંડવી તે શી વાત!
કોક સમે એના આભમાં પેલું
જાગતું ઘેલું
રંગભર્યું પરભાત;
કોક સમે એના બાગમાં ફાગે
રાચતું રાગે
હસતું પારિજાત!
કોક સમે એના સાદમાં ઝીણા
સૂરથી વીણા
ગુંજતી રહે મધરાત;
કોક સમે એના નાદને લહેકે
મોરલો ગહેકે
પાડતો મીઠી ભાત!
કોક સમે એના ગાનમાં ઘેરો
સાગર કેરો
ઊછળતો ઉત્પાત;
કોક સમે સૂનકાર વેરાને
જલતા રાને
ધીખતો ઝંઝાવાત!
~ રમેશ જાની (14.11.1925 – 18.3.1987)
કાવ્યસંગ્રહ ‘ઝંખના’.
કવિ, વાર્તાકાર, નાટ્યકાર, વિવેચક, અનુવાદક. મુંબઈમાં અધ્યાપનકાર્ય કર્યું. કાવ્યના આસ્વાદો પણ કરાવ્યા. કંચન પારેખ સાથે ‘વંદના’ સામયિકનું સંપાદન વર્ષો કર્યું.

ગીતો તાજગીભરેલા છે.
ગીતો ખુબ ગમ્યા