કિશોર બારોટ ~ પાંચ કાવ્યો * Kishor Barot

🥀 🥀

ઘોર અંધારું ટળ્યું છે, એટલું કાફી નથી?
આભ ઉજમાળું થયું છે, એટલું કાફી નથી?

કંઠમાં રૂંધાઈને ડૂમા થીજેલા છે છતાં
ગીત ગાતાં આવડ્યું છે, એટલું કાફી નથી?

ભાર જીરવાશે નહીં, નક્કી હૃદય ફાટી જશે,
એ ક્ષણે આંસુ સર્યું છે, એટલું કાફી નથી?

તન અને મન સાવ ચકનાચૂર થાતાં થાકથી,
ઊંઘનું ઝોકું ફળ્યું છે, એટલું કાફી નથી?

દુઃખ આવ્યું થઈ ત્સુનામી ને ડૂબાડ્યાં સ્વપ્ન સૌ
આશનું તરણું મળ્યું છે, એટલું કાફી નથી?

~ કિશોર બારોટ

જીવનમાં કેટલું પૂરતું છે ને કેટલાની ખોટી માયા છે એટલું સમજાઈ જાય એણે સાધુ થવાની જરૂર નથી. સંસારમાં રહેવા છતાં એ સાધુથી શ્રેષ્ઠ છે.
આ કક્ષા તો ઘણી ઊંચી થઈ પણ નાનાં નાનાં સુખ જોતાં આવડે તોય સમય ઉજળો ન થઈ જાય
? આપણી આસપાસ, અરે આપણી અંદર પણ એ વેરાયેલાં છે…. અગત્યનું છે, એને જોતાં શીખવું.  અહીં કેટલા સરસ મજાનાં ઉદાહરણો દ્વારા આ વાત ઉઘડી છે ! દુખની નદી વહે છે પણ ગાતાં આવડે છે ? ગાઈ શકો છો ? ઊંઘી શકો છો ? અને આવું તો કેટલુંય શોધી શકાય.
‘એટલું કાફી નથી ?’ રદ્દીફ લઈને આવેલી આ કાવ્યતત્ત્વથી ભરી ભરી આ ગઝલ કળણમાં ડૂબેલાને જરૂર મદદનો હાથ આપી શકે !  

🥀 🥀

હરિ નામના દરજીએ હોંશેથી છે સીવેલો,
ઘરનો સઘળો ભાર ઉપાડે, એક અજાયબ થેલો.

પાલવ કરતા કાપડ એનું જાડું ને બરછટ,
વ્હાલપના દોરાથી સીવ્યાં, ટાંકાઓ બળકટ,
સૌની ચાંચે ચણ ધરવા તે દિ’ આખો ભટકેલો.
ઘરનો સઘળો ભાર ઉપાડે, એક અજાયબ થેલો.

માંગ્યું, વણમાગ્યું, એ સૌને પૂરું પાડે પ્રીતે,
ના એ કહેતો, તે માટે એનાં પર શું શું વીતે?
સાંજે સૌને હસતાં ભાળી સઘળો થાક ભૂલેલો.
ઘરનો સઘળો ભાર ઉપાડે, એક અજાયબ થેલો.

થાક, મૂંઝારો, ચિંતા, પીડા સપનાંનો ભંગાર,
કુણા અસ્તરમાં સંતાડયાં એણે ભરચક ભાર,
આંસુને પાંપણમાં પુરી સૌની સાથ હસેલો.
ઘરનો સઘળો ભાર ઉપાડે, એક અજાયબ થેલો.

~ કિશોર બારોટ

કહેવાની જરૂર જ નથી કે આ થેલો એટલે કોણ ? માતાના ગુણગાન ગાવામાં કવિઓએ અને લેખકોએ કોઈ કમી રાખી નથી પણ પિતાનું માહાત્મ્ય ઓછું ગવાયું છે ત્યારે આવાં કાવ્યો હાશ પૂરે છે.  

🥀 🥀

તિખારા સતત ‘હું’ને ‘તું’ના થયાં છે,
બચે કેમ ઘર ? જે રૂના થયાં છે.

ન અંધારપૂજકને દીવો બતાવો,
પૂછો હાલ કેવાં ઈશુના થયાં છે ?

સંબંધોમાં ત્યારે જ મીઠાશ આવી,
તમેમાંથી જ્યારે તે ‘તું’ના થયાં છે.

તમારા જવાથી ફરક એ પડ્યો છે,
બે ખાબોચિયાં આજ ધૂના થયાં છે.

બજારે ને ઘરમાં બદલતું ચલણ છે,
થયા રદ્દ સિક્કા જે જુના થયાં છે.

ગઝલમાં મેં ગૂંથી કરી વ્યક્ત પીડા,
તો ઝળહળ દીવા આબરૂનાં થયાં છે.

~ કિશોર બારોટ

🥀 🥀

સુખ અને દુઃખ બેયથી જો પર થવાશે.
એ પછી આનંદ આઠે પ્હોર થાશે.

જો મળે પથરાળ પથ તો જળ વિચારે,
આ બહાને, આજ થોડું ખળખળાશે.

પૂર્ણ શ્રદ્ધા જો પ્રતીક્ષામાં હશે તો,
રામને પણ આંગણે લાવી શકાશે.

જિંદગી ભરપૂર જીવી લે પળેપળ,
મોત પાસે ના પછી મુદ્દત મંગાશે.

તું પીડા સાથે પ્રથમ કેળવ ઘરોબો,
એ પછી જોજે ગઝલ સુંદર લખાશે.

~ કિશોર બારોટ

🥀 🥀

જિંદગીનું એટલું તારણ મળે છે;
લોટ ઓછો ને વધુ ચાળણ મળે છે.

હર તરસની હોય છે તકદીર નોખી;
એકને ઝરણું, બીજીને રણ મળે છે.

પ્રેમ કિસ્સા જૂજ પામે લાપશીને;
કંઈકને તો કાયમી આંધણ મળે છે.

એ પછી કપરી સફર પણ, થાય જલસો;
સાથમાં જો ખૂબ ગમતું જણ મળે છે.

પૂર્ણ પ્રામાણિક નજરથી જો જુઓ તો;
આયનેથી માંહ્યલો રાવણ મળે છે.

~ કિશોર બારોટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

11 thoughts on “કિશોર બારોટ ~ પાંચ કાવ્યો * Kishor Barot”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    નાવીન્ય તથા સચોટ અભિવ્યકિતથી સુંદર રચનાઓ

  2. હેતલ રાવ

    કંઠમાં રૂંધાઈને ડૂમા થીજેલા છે છતાં
    ગીત ગાતાં આવડ્યું છે, એટલું કાફી નથી?👌👏👏👏

    થાક, મૂંઝારો, ચિંતા, પીડા સપનાંનો ભંગાર,
    કુણા અસ્તરમાં સંતાડયાં એણે ભરચક ભાર,
    આંસુને પાંપણમાં પુરી સૌની સાથ હસેલો.
    ઘરનો સઘળો ભાર ઉપાડે, એક અજાયબ થેલો.👌👌👌

    હ્રદયસ્પર્શી ચિત્રણ

  3. રાજેશ વ્યાસ

    ખૂબ ખૂબ અભિનંદન કિશોરભાઈ… ગઝલોમાં ખરેખર પ્રાણ પૂર્યાં છે…અજાયબ થેલો ખૂબ સ્પર્શી ગયો ને તેનું સ્વરાંકન પણ થયું…

  4. જશવંત મહેતા

    ખૂબ ખૂબ સરસ રચનાઓ,ગમી જાય એવી,ગમી,રાજીપો વ્યક્ત કરું છું.

  5. બધી ગઝલોમાં નવીનતા લીધે તાજગી લાગે છે.અભિનંદન.

  6. કિશોર બારોટ

    લતાજી, કાવ્ય વિશ્વના ભાવકોના ભાણામાં મારી પણ પાંચ વાનગીઓ પીરસી તે બહુ ગમ્યું.
    ખૂબ ખૂબ આભાર. 🙏

Scroll to Top