
🥀 🥀
વાંધો છે ભૈ પથ્થર સાથે…
ચર્ચા કરશું ઈશ્વર સાથે…
સૌથી આગળ હું હોવાનો,
લઈ ઇચ્છાનું લશ્કર સાથે…
જખ્મોનો તો હેવાયો છું,
લાવ્યો છું ક્યાં બખ્તર સાથે..?
ભણવાનું છે જીવન આખું,
રખડું છું લઈ દફ્તર સાથે…
એણે અઘરા પ્રશ્નો પૂછ્યાં,
ચીસો મૂકી ઉત્તર સાથે…
અંતર ખુદનું બાળી નાંખી,
ખુદનું રાખ્યું અત્તર સાથે…
દાદાએ જઈ એને પૂછ્યું,
શું નાતો છે નશ્વર સાથે..?
~ બી. કે. રાઠોડ બાબુ
🥀 🥀
આંખ એની છો ગમી, સંભાળજે…
ચીજ છે બહુ જોખમી, સંભાળજે…
દિલ સુધી જાવું જ છે તો જા ભલા,
ત્યાં જવાનું છે નમી, સંભાળજે…
ટોચ પર જઈનેય પછતાવો થશે,
છે ઘણી ત્યાં પણ કમી, સંભાળજે…
સોમરસ માની કશું પીતો નહીં,
ઝેરની છે બાતમી, સંભાળજે…
મિત્ર છે કે શત્રુ ? જાણી લે પ્રથમ,
છે અજાણ્યો આદમી, સંભાળજે…
રાખજે ખટકો જરા વળતી વખત,
સૂર્ય જાશે આથમી, સંભાળજે…
જિંદગીથી ‘બાબુડા’ કર ના રમત,
હાર થાશે કારમી, સંભાળજે…
~ બી. કે. રાઠોડ બાબુ
🥀 🥀
છીનવી મારી મજા ખોટું કર્યું તેં…
દિલ મને આપી ખુદા ખોટું કર્યું તેં…
દર્દ આપ્યું તો ભલે આપ્યું હૃદયને,
હાથમાં રાખી દવા ખોટું કર્યું તેં…
ભાગ્યમાં આપ્યું ભલેને રણ દુઃખોનું,
દૂર રાખી ઝાંઝવા ખોટું કર્યું તેં…
સંતનાં નામે ફરે છે કૈંક દંભી,
લઈ ખરાનાં પારખાં ખોટું કર્યું તેં…
માણસો ભટકી રહ્યાં છે મન પડે ત્યાં,
સૌને આપી દશ દિશા ખોટું કર્યું તેં…
એક ઇચ્છા, દેહને આપે છે કષ્ટી,
મોક્ષની દઈ લાલસા ખોટું કર્યું તેં…
‘બાબુડો’ ખુદને ખુદા માની રહ્યો છે,
દઈ નકામી નામનાં ખોટું કર્યું તેં…
~ બી. કે. રાઠોડ બાબુ
🥀 🥀
ખોટા ખરાનાં પારખાં લેતો નહીં કદી…
મૂળે ખુદાનાં પારખાં લેતો નહીં કદી…
તું સદનસીબે આજ તો સાચે બચી ગયો,
જા, ઝાંઝવાનાં પારખાં લેતો નહીં કદી…
એ આગ જેવી આગને ગણકારતી નથી
એવી હવાનાં પારખાં લેતો નહીં કદી…
ક્યારેક તો ફળશે ભરોસો રાખજે જરા,
દિલની દુઆનાં પારખાં લેતો નહીં કદી…
બે શબ્દ વચ્ચે આગ જેવું હોય છે કશું,
ખાલી જગાનાં પારખાં લેતો નહીં કદી…
ફાટી શકે છે આભ આંખોનું ઘડીકમાં,
ગમની ઘટાનાં પારખાં લેતો નહીં કદી…
વળગી પડે જો કોઈને તો છૂટતાં નથી,
તું મૈકદાના પારખાં લેતો નહીં કદી…
~ બી. કે. રાઠોડ બાબુ
બધી જ ગઝલ દમદાર. વાહ કવિ

સરળ સુંદર સરસ ગઝલો
ખૂબ જ સરસ ગઝલો. કવિ શ્રી ને અભિનંદન.
ખુબજ સરસ રચનાઓ ખુબ ગમી
દરેક ગઝલ સીધી, સરળ અને સચોટ.
દર્દ આપ્યું તો ભલે આપ્યું હૃદયને,
હાથમાં રાખી દવા ખોટું કર્યું તેં…
સરયૂ પરીખ.
વાહ..સરસ ગઝલો..અભિનંદન..
સરસ રચનાઓ 👌👌🌹🌹