🥀 🥀
છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલું છું,
બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઈશારે ચાલું છું.
જીવનનો ખરો લ્હાવો છે, અહીં સાગરની ગહનતામાં આવો,
મોજાંઓ કહે છે પોકારી હું જયારે કિનારે ચાલું છું.
પ્રત્યેક વિસામો ચાહે છે, આ મારી સફર થંભી જાયે,
સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલું છું.
ધબકાર નથી આ હૈયાનો, કોઈનો મભમ સંદેશો છે,
હું એના સહારે બોલું છું, એના જ ઈશારે ચાલું છું.
થાકીને લોથ થયો છું, પણ કયારેય નથી બેઠો ‘રુસ્વા’
આ ગર્વ નથી ગૌરવ છે, હું મારા વિચારે ચાલું છું.
~ ‘રુસ્વા’ મઝલૂમી
🥀 🥀
મને જિંદગીના પ્રસંગો ન પૂછો
બધા હસતાં, હસતાં પતાવી દીધા છે.
પ્રલોભન, જો આવ્યા છે જીવનમાં જ્યારે
મેં ખુદ્દારે દિલથી ફગાવી દીધા છે.
બધા ઓરતાઓ ને આશાઓ ક્યાંથી
ફળે, મંજરીની મહેક થઇને કાયમ
અફળ કામનાઓના ઓથાર બેશક
રહી મૌન દિલમાં સમાવી દીધા છે.
તરંગોની માફક જે દિલમાં ઊઠ્યા તે,
મનાવી લીધા છે રૂઠેલા ઉમંગો,
અને આવકાર્યા છે અવસર મળ્યા જે
હૃદય ઉર્મિઓથી વધાવી દીધા છે.
ખુદાની કસમ હું- છું ઇન્સાન ‘રૂસ્વા’
ને ઇન્સાનિયતનો પ્રશંસક રહ્યો છું,
મળી છે મને બાદશાહી ફરીથી
જે આવ્યા પ્રસંગો દીપાવી દીધા છે.
~ ‘રુસ્વા’ મઝલૂમી
🥀 🥀
પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.
જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત, કરગરવું નથી ગમતું.
અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.
હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.
ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.
સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.
~ ‘રુસ્વા’ મઝલૂમી

વાહ રુસ્વા પાજોદ દરબાર ખુબ સારી રચનાઓ આપી છે મારોય એક જમાનો હતો કોણ માનશે સ્મ્રુતિવંદન
મને ખેંચી ન જા મસ્જિદ મહિં ઝાહિદ….
બધી ગઝલો ગમી ગમીજ
વાહ, ખૂબ જ સરસ ગઝલોનું ચયન. વંદન.
વાહ, ખૂબ સુંદર
“પ્રત્યેક વિસામો ચાહે છે, આ મારી સફર થંભી જાયે,
સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલું છું.”
“ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.” …વિશેષ ગમી
બન્ને રચનાઓ ખુદ્દારીભરી