એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.
ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.
એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !
પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !
ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !
નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.
હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.
~ ખલીલ ધનતેજવી (12.12.1935 – 4.4.2021)
કૃપા બસ એટલી ઇશ્વર થવા દે
તું મારા ઘરને મારું ઘર થવા દે.
નવો કંઇ ખેલ જાદુગર થવા દે
સઘન અંધકાર છૂમંતર થવા દે
પવન, આ જ્યોતની ઉંમર થવા દે
જરા અજવાસ પણ પગભર થવા દે.
દુવા માંગુ કે મારા કદ પ્રમાણે
કદી તો માપસર ચાદર થવા દે.
બધાં સુખદુખ મને મંજૂર છે પણ
બધું સરખું ને માફકસર થવા દે.
ઘણી મહેનત કરી છે જિંદગીમાં
હવે પરસેવાને અત્તર થવા દે.
મને પણ પૂજશે લોકો યકીનન
મને પણ પીર કે પથ્થર થવા દે
મને ડર છે કોઇ તફડાવી જાશે
ગઝલ પર મારા હસ્તાક્ષર થવા દે.
ખલીલ ઇચ્છાઓ ગાંડીતૂર થઇ છે
કઇ રીતે કોઇ સરભર થવા દે.
~ ખલીલ ધનતેજવી (12.12.1935 – 4.4.2021)
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે
તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે
વાર તહેવારે જીદે ચડતી ઇચ્છાને પંપાળી છે
મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે
તમને જોઇને પલકારાની રસમ ત્યજી છે આંખોએ
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે પાંપણ ઢાળી
છાંયડે બેસી અસ્ત–ઉદયની લિજ્જત ના સમજાવ મને
માથે આખો સુરજ લઇને સાંજ બપોરે ગાળી છે
કેટકેટલી ડાળો જાતે નમી પડેલી હોય ખલિલ
જે ડાળેથી ફૂલ મેં ચુંટ્યું સૌથી ઉંચી ડાળી છે..
~ ખલીલ ધનતેજવી (12.12.1935 – 4.4.2021)
આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ કરી જો રદ, ખબર પડશે તને.
લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.
તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.
ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.
ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.
તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.
~ ખલીલ ધનતેજવી (12.12.1935 – 4.4.2021)

ખલીલની સદાબહાર ગઝલો હંમેશ મુગ્ધ કરી દેતી હોય છે.
વંદન, ખલીલસાહેબને
વાહ ખુબ સરસ ગઝલો સલામ
ખલીલ સાહેબની ચારેય ગઝલો કાબિલેદાદ.કવિને વંદન.
વડોદરાની શાન સદ્ગત ખલિલ જીને સ્મૃતિ વંદન.
સાદર સ્મરણ વંદના..
તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને. વાહ!