
🥀🥀
*કસોટી*
સતની થાય કસોટી.
સોનામહોરો સાથે હોડ બકે છે એક લખોટી!
સતને મારગ કાંટા ઊગે, પૂગે વાવાઝોડું.
તુચ્છ તણખલું કહે ઝાડને : ‘તને મૂળથી તોડું!’
ખોટાં વેણ મથે છે કરવા ખુદની લીટી મોટી!
સતની થાય કસોટી.
સતનું અજવાળું અંતે તો અંધારામાં મ્હોરે.
સાધુ-સંતો સદાય સતના દીવાને સંકોરે.
સતરૂપી એ સંતચરણને વંદન કોટિકોટિ.
સતની થાય કસોટી.
~ નીતિન વડગામા
જેમને માટે ભાવ છે, ભક્તિ છે, શ્રદ્ધા છે, સમર્પણ છે એમને અહોભાવભરી વંદના કરતી સ્પર્શી જાય એવી રચના. અસતની સત માથે ચડી બેસવાની નાદાની અને સતની અજવાળાં મ્હોરાવતી ઘટનાનું હૃદય ઠારતું નિરૂપણ.
🥀🥀
*બધાંએ બોલવું પડશે*
સત્ય ટૂંપાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
ચિત્ર ભુંસાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
અહીં ખુદ ભોમિયાને પણ નથી કંઈ ભાન મારગનું,
દિશા ફંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
સુગંધોનેય કરવા કેદ આ ટોળું થયું ભેગું,
ફૂલો મૂરઝાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
નથી કંઈ સૂરની સમજણ છતાંયે સાજ શણગાર્યાં,
બસૂરું ગાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
નર્યો ઉપજાઉ વાતો ને નિરંતર જૂઠનો રેલો,
વધુ લંબાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
જતન એનું કર્યું છે પૂર્વજોએ પ્રાણ પૂરીને,
મતા લુંટાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
સતત થાક્યા વિના બોલ્યા કરે છે એ ફકીરોનું
ગળું રૂંધાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
હજી તો ઝળહળે છે આ સનાતન ધર્મનો દીવો,
તિમિર ઘેરાય એ પહેલાં બધાંએ બોલવું પડશે.
~ નીતિન વડગામા
સમય વળોટતી રચના. રામ-કૃષ્ણના યુગથી સચ્ચાઈ સામે જૂઠાણાંની આ રમત ચાલતી આવે છે. દરેક સમયમાં કોઈ ને કોઈ સમાજને જગાડનારા પેદા થયા છે. આ ક્રમ ચાલતો જ રહેશે કેમ કે માનવજાત ક્યારેય સુધરવાની નથી, નથી તો સ્વાર્થની લીલાઓ ખતમ થવાની !
🥀🥀
*કોઠે પડી ગયું છે*
શસ્ત્રો સજાવવાનું કોઠે પડી ગયું છે,
લોહી વહાવવાનું કોઠે પડી ગયું છે.
કરપીણ ઘાવ ઝીલી અંદર રડીરડીને,
હસવા—હસાવવાનું કોઠે પડી ગયું છે.
બદલાય છે સમય ને લોકોય રંગ બદલે,
મનને મનાવવાનું કોઠે પડી ગયું છે.
હો ધાન સાવ કાચું ચિંતા નથી જરાયે,
પથ્થર પચાવવાનું કોઠે પડી ગયું છે.
ચપટીક વાટકીના વ્યવહારને નિભાવી,
જાજમ બિછાવવાનું કોઠે પડી ગયું છે.
જળના વિકલ્પે અંતે રેતાળ રણ વચાળે,
હોડી ચલાવવાનું કોઠે પડી ગયું છે.
અજવાળતો હતો એ ઘરનો અખંડ દીવો,
નાહક બુઝાવવાનું કોઠે પડી ગયું છે.
~ નીતિન વડગામા
આ પણ એક સચ્ચાઈ છે.
🥀🥀
*રાજી થયા*
સ્હેજ જાગીને અમે રાજી થયા,
કૈંક પામીને અમે રાજી થયા.
ફૂલ ને ફળ આપમેળે આવશે,
બીજ વાવીને અમે રાજી થયા.
એક ઇચ્છાનું કિરણ અજવાળશે,
એમ ધારીને અમે રાજી થયા.
જે તમે અંકે કર્યું એના વિશે,
કૈં વિચારીને અમે રાજી થયા.
સ્વાદ ના ફાવ્યો જરાયે જીતનો,
દાવ હારીને અમે રાજી થયા.
ના, નથી અફસોસ ઊગ્યો ક્યાંય પણ,
મન મનાવીને અમે રાજી થયા.
જાળવ્યું‘તું જીવની માફક છતાં,
એ જ આપીને અમે રાજી થયા.
~ નીતિન વડગામા
સંતોષી નર સદા સુખી.

All stanzas by Shri Nitin.Wadgama are very much likeable
નીવડેલા ઉમદા કવિ શ્રી ની સુંદર ગીત, ગઝલો.
સરસ રચનાઓ અભિનંદન કાવ્ય વિશ્વ
સુંદર અર્થઘન કવિતાઓ
વાહ…વાહ….
અત્યંત સુંદર રચનાઓ.
ખૂબ ખૂબ અભિનંદન કવિ શ્રીને.
- વિજો / અમદાવાદ 61