🥀 🥀
*સાદ*
પતવાર ને સલામ, સિતારાને રામરામ,
મજધારે જઈ રહ્યો છું, કિનારાને રામરામ.
ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં,
નૌકાને તારનાર ઈજારાને રામરામ.
દિલને દઝાડતો રહ્યો; ભડકી શક્યો નહીં,
નિર્માલ્ય એવા પ્રેમ-તિખારાને રામરામ.
મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.
દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.
~ ‘શૂન્ય’ પાલનપુરી
@@
🥀🥀
સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’!
નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી.
એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે શુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.
કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!
આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
“હાશ” કહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી.
~ શૂન્ય પાલનપુરી (19.12.1922 – 17.3.1987)
સ્વર : ભરત ગાંધી

કવિ શુન્યની ઉત્કૃષ્ટ ગઝલો વિશે ઘણું કહેવાયું છે, એટલે હું શું કહું?
વાહ ખુબ સરસ રચના અભિનંદન
વાહ, બન્ને ગઝલ સરસ 👍👍👍