યૉસેફ મેકવાન ~ બે કાવ્યો

🥀 🥀 

*હેમંતની સાંજ*

ઝાડના ડાંખળે ડાળીએ
સૂર્યના કિરણ ચોંટી રહ્યાં;
પાસમાં
ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !

ચોતરફ
વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે;
ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ
થૈ કરો કાનમાં વાગતો.

એમ લાગે ઘડી
સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી.

~ યૉસેફ મેકવાન (20.12.1940 – 25.12.2022)

🥀🥀

આપણામાં સમજણનો દરિયો જો હોત –
તો છીછરા પાણીમાં આમ અધવચ્ચે ડૂબ્યાં ના હોત!

તડકાની મહેક તારી આંખોમાં છલકતી’તી
ચાંદની શા મહેક્યા’તા શ્વાસ.
હળવી હવાને એક હિલ્લોળે પાન ખરે
આપણો એમ છૂટ્યો સહવાસ!
પછી અમથુંયે જોયું નહિ, અમથુંયે બોલ્યાં નહિ
આમ અમથુંયે રૂઠ્યાં ના હોત….!

ઝરમરતી ઝીણેરી વાતમાંથી આપણે તો
આભલાનો ઓઢી લીધો ભાર,
હસ્યાં-મળ્યાંનાં બધાં સ્મરણોને મૂકી દીધાં
જીવતરના હાંસિયાની બહાર…!
કાશ! અહમના એકડાઓ વારંવાર આપણે
આમ, આંખોમાં ઘૂંટ્યા ના હોત…!

~ યૉસેફ મૅકવાન (20.12.1940 – 25.12.2022)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “યૉસેફ મેકવાન ~ બે કાવ્યો”

  1. સુરેશ 'ચંદ્ર'રાવલ

    શ્રી યોસેફ સાહેબ… એક અદભુત કવિશ્રી અને સહજ માનવ… અંગત ખૂબ મળવાનું થયું પણ ખૂબ ડાઉન ટુ અર્થ… બન્ને કાવ્ય ખૂબ સરસ… અને ગીત કાવ્ય તો અદભુત….! યોસેફ સાહેબ મારાં માર્ગદર્શક….!

  2. વાહ વાહ…
    કવિ શ્રી યોગેશ મેકવાનના બંને કાવ્યો
    દિલને ચોંટી જાય છે.
    કવિની દિવ્ય ચેતનાને કોટિ કોટિ વંદન.

    - વિજો/ અમદાવાદ 61

    1. ઉપર, ભૂલથી…. યૉસેફ મેકવાનના બદલે…
      યોગેશ મેકવાન ટાઈપ થઈ ગયું છે. માફી ચાહું છું.
      ભૂલને ક્ષમ્ય ગણશો.
      – વિજો

Scroll to Top