

🥀🥀
ઠરે સુરતામાં એવું ગાન દે
તું દે એકતારો અને તાન દે
ગણાઇ મહેમાનનવાજી અમીરા
તું આ રંકના ઘરને મહેમાન દે
ન સિક્કાનો ઘા કર ભિક્ષુકને
અપાવીને હક્ક એનું સન્માન દે
ન દોલત ન રાહત માંગુ એ ય દોસ્ત
ફક્ત દર્દ સુણવા અહીં કાન દે
નથી જોઇતા સુખો મારે ખુદા
મને દુખો સહેવાની તું સાન દે ..
~ કાલિંદી પરીખ
🥀🥀
મળ્યો હાથ તારો તો લાગી છે તાલી
વિના રાસ નાચું હું કરતાલ ઝાલી.
હરિતકુંજ બાજુ નિહાળે છે ગોપી
અને રંગ લીલો બની જાય લાલી.
દીવાલે દીવાલે લગાવ્યાં છે ચિત્રો
છતાં ઘર હજી કેમ લાગે છે ખાલી.
ટળી ગઈ જનમવા કે મરવાની ઝંઝટ
સમય-ક્યારિયે શું અમરવેલ ફાલી.
ફકીરી તો કેવળ છે કાયાની ઓળખ
અમારે તો અંદરની જાહોજલાલી.
~ કાલિન્દી પરીખ
ક્યાંક વચ્ચે દીવાલ * કાલિંદી પરીખ * પ્રવીણ 2025

ક્યાંક વચ્ચે દિવાલ….. પુસ્તકને આવકાર સહ અભિનંદન..
બે રચના સરસ આધ્યાત્મિક વાહ
A page full of awosome accolades and two sweet, meaning full રચનાઓ. Dhanyvad
બન્ને ગઝલમાં આધ્યાત્મક પૃષ્ઠભૂમિ પર સુપેરે પગલાં માંડ્યા છે એ સ્પષ્ટ જોઈ શકાય છે.આ પગલાંની છાપ વાચક પર અમીટ રહેવાની છે.બન્ને રચનાઓ માટે કાલિંદીબેન પરીખને ખૂબ ખૂબ ધન્યવાદ.સાથે સાથે ” ક્યાંક વચ્ચે દિવાલ” નું સ્વાગતમ્.
આદરણીય કાલિન્દી જીની બંને ગઝલો ઉત્તમ છે.
પહેલી ગઝલમાં નજરઅંદાજ ન કરી શકાય એટલા છંદદોષ રહી ગયા છે…
બીજી ગઝલ સાચે જ સરસ થઈ છે
બન્ને કાવ્યો સરસ
ખુબ ખુબ આવકાર બન્ને રચનાઓ ખુબ સરસ
કાલિન્દીબેનની બંને રચનાઓ ઉચ્ચ કક્ષાની અને આધ્યાત્મિક રંગે રંગાયેલા હ્રદયની ભાવ – સરિતા છે.સરળતા,સહજતા અને ગહનતા કેવી સુંદર કવિતાઓ રચી આપે છે તેનું પણ આ રચનાઓ એક દ્રષ્ટાંત બની રહે છે.કાલિન્દી પરીખને હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા
મારી ગઝલોને કાવ્ય વિશ્વમાં સમાવિષ્ટ કરવા બદલ લતાબેન હિરાણી નો હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે ઉચિત પ્રતિભાવ આપનારા સહુ કોઈનો પણ અંતઃકરણપૂર્વક આભાર .