🥀🥀
*આદમ ઈવનું પહેલું ચુંબન*
ઉત્સવ આંસુ, સપનાં ડૂમો; આદમ ઈવનું પહેલું ચુંબન!
આદમિયતનો છે તરજુમો; આદમ ઈવનું પહેલું ચુંબન!
નભ થલ વાયુ જલ અગ્નિના; પંચ પ્રસવના નાદ પછીની-
ઈશ્વરિયતની અંતિમ બૂમો, આદમ ઈવનું પહેલું ચુંબન!
એક ઈશિતા ફૂંક પછીની જિજ્ઞાસા ને ઈપ્સાઓનો,
પહેલો અગ્નિ, પહેલો ધૂમો; આદમ ઈવનું પહેલું ચુંબન!
કંઈક અલૌકિક અવતારો ને કંઈક પરમ પદ બુદ્ધ-ફકીરો,
માટીમાંથી મોતી લૂમો! આદમ ઈવનું પહેલું ચુંબન!
નિજ દર્પણમાં ઝાંકી જોજો બિંબો સરખાં મળશે કાયમ,
તારું મારું ને સૌનું મોં, આદમ ઈવનું પહેલું ચુંબન!
~ કાયમઅલી હઝારી (23.12.1943 )
🥀🥀
મૃગજળની માયા છોડી ને જળ સુધી જવું છે,
અમને જે છેતરે છે- એ છળ સુધી જવું છે !
તૈયાર થા ! તું એ દિલ અઘરી છે આ કસોટી-
સાગર સમેટી લઇને, ઝાકળ સુધી જવું છે.
સદીઓના આ વજનને, ફેંકીને કાંધ પરથી-
જે હાથમાં છે મારા, એ પળ સુધી જવું છે.
તારો જ સ્પર્શ એમાં અકબંધ છે હજુ પણ,
મારે એ બંધ ઘરની સાંકળ સુધી જવું છે.
કયા આશયે કરી છે દુનિયાની આ દશા તેં ?
ઈશ્વર ! મને એ તારી અટકળ સુધી જવું છે !
અટકીને એ અચાનક પોઢી ગયા કબરમાં-
કહેતા હતા જે કાયમ આગળ સુધી જવું છે.
~ કાયમઅલી હઝારી (23.12.1943 )
🥀🥀
ખુદા જાણે તમે કેવી જગા પર જઈને સંતાયા
તમોને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા !
તમે પાછા કદી વળશો એ આશામાં જ વર્ષોથી
ઊભો છું ત્યાં જ જ્યાંથી આપણા રસ્તાઓ બદલાયા.
સમજદારીએ શંકાઓ ઊભી એવી કરી દીધી
હતાં જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા !
જિગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે,
અમસ્તાં કંઈ નથી આ રાહમાં અજવાળાં પથરાયાં.
કરી જોયા ઘણા રસ્તા જવાના દૂર તારાથી
બધા રસ્તાઓ કિંતુ તારા દ્વારે જઈને રોકાયા !
તમે આવ્યાં હતાં હસતાં, ગયાં ત્યારે હસતાં’તાં,
ભરમ એ હાસ્યના અમને, હજી સુધી ન સમજાયા !
હજુ મારે છે ઈશુને, મહાવીરને સતાવે છે,
યુગો વીતી ગયા કિન્તુ આ ઇંસાનો ન બદલાયા !
ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી,
અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા.
~ કાયમઅલી હજારી (23.12.1943 )
🥀🥀
પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે ?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !
ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી
જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે ?
જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો !
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !
લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું
પણ, ધુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે ?
હોય આનાથી વધુ સંતાનનું બીજું પતન ?
ભરબજારે માતનાં વસ્ત્રો હરી ગૌરવ કરે !
માનવીની પાશવી-ખૂની લીલાઓ જોઈને
મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે !
ના ખપે, એ રામ અલ્લાહ ના ખપે, હા ના ખપે
નામ માનવતાનું જેના નામથી ‘કાયમ’ મરે !
~ કાયમઅલી હજારી (23.12.1943 )

ખૂબ સરસ ત્રણ ગઝલ
જિગરના ખૂન માં બોળી મશાલો
પાંદડાં ઓ ની વ્યથા
વિશેષ ગમ્યા
વાહ…વાહ…
મૃગજળની માયા છોડીને….અને , પાંદડાંઓની વ્યથા…રચનાઓ
વિશેષ ગમી.
આનંદ થયો. ધન્યવાદ
વિજો
વાહ.. સકળ રચના ખૂબ સરસ..
All Terrific Great : Full of punch lines
આદરણીય કવિ શ્રી કાયમ હજારી ની રચનાઓ/ગઝલો ખૂબ જ માનનિય છે. આનંદ.
ખુબ સરસ રચનાઓ ખુબ ગમી