
🥀 🥀
તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
દિવસના કામમાં ખોવાઈ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
પાસે આવીને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
~ પન્ના નાયક (28.12.1933)
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનું જાણીતું મુખડું લઈને કવયિત્રીએ નિજી સંવેદન પૂરી તીવ્રતાથી વ્યક્ત કર્યું છે.
🥀 🥀
તરફડાટ એટલે ?
તમે કહેશો,
જલની બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ !
પણ ઘૂઘવતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?
~ પન્ના નાયક (28.12.1933)
🥀 🥀
તું અને હું
આપણા દેહ બે પણ પ્રાણ એક–
એ વાતને
સાચી ઠરાવવાના
લાખ પ્રયત્ન કરીએ છીએ
પણ
આપણી ભીતર તો
સતત રણક્યા કરે છે
અસ્વીકારનું અસ્તિત્વ!
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો-
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ
ઋણાનુબંધના દોરાથી!
~ પન્ના નાયક (28.12.1933)
અંગત છતાં તદ્દન બિનઅંગત વાત.. એક છત નીચે જીવતા લાખો યુગલોની વાત. સમાજની કડવી સચ્ચાઈ.
🥀 🥀
દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
વિવિધ ફેરફારથી-
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂના ગાલીચાની જગ્યાએ
Wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન-
આ બધામાં મને ક્યાં ગોઠવું ?
કેન્દ્ર શોધું છું.
જ્યાં હું સરખું બેસી શકું…
–પણ બારી કનેથી રસ્તો નિહાળતી
હું ઊભી જ રહું છું.
~ પન્ના નાયક (28.12.1933)
ખૂબ સરળ અને છતાંય અત્યંત માર્મિક.
🥀 🥀
નાની હતી ત્યારે
હું ડરતી
કે
મારી સાથે રમતો સમય
થાકીને
સૂઇ તો નહીં જાય ને !
આજે
હું ડરું છું
કે
મારી પડખે સૂતેલો સમય
જાગીને
ભાગી તો નહીં જાય ને ! ……….
~ પન્ના નાયક (28.12.1933)
થોડામાં ઘણું કહી દેવાની કવયિત્રીની આ આવડત પર વારી જવાય છે.
🌹પ્રિય પન્નાદીદીને જન્મદિનના વ્હાલભર્યા અભિનંદન🌹
આપ સર્જક પરિચય અહીં વાંચી શકશો.

જન્મ દિવસની સુકામનાઓ પાઠવું છું..્
અદભૂત રચનાઓ
કવયિત્રી પન્ના જીને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.એક સ્રી જ આ રીતે અંતરના ઉંડાણમાંથી આવાં કાવ્યો રચી શકે. ક્યાં ક અંતર વેદના ઝીલાઈ છે.
ઝીણું સાભંળવા ના મને કોડ છે ….ભલે પરંતુ રચનાઓ બધી ધારદાર બોલકી છે