તેજસ દવે ~ પાંચ કાવ્યો * Tejas Dave

🥀🥀

ફૂટપાથે સુતેલા ભૂખ્યા કોઈ બાળકની આંખો પર ધ્યાન કદી દેજો
છાતીના મૂળ સુધી એની એ ભૂખ પછી તમને ના વાગે તો કહેજો
ફૂટપાથે સુતેલા ભૂખ્યા કોઈ બાળકની આંખો પર ધ્યાન કદી દેજો

ઈંટ અને સિમેન્ટે ભીતો બંધાય એમ લાગણીઓ થોડી બંધાય છે
ભીતેથી પોપડા ખરે ને એમ રોજ અહીં માણસ પણ જર્જરિત થાય છે
ડામરના રસ્તા પર કાળીધબ ઈચ્છાના એકલા નિસાસા ના લેજો
ફૂટપાથે સુતેલા ભૂખ્યા કોઈ બાળકની આંખો પર ધ્યાન કદી દેજો

સૂરજ ડૂબે ને પછી ટળવળતી સાંઝ રોજ ટોળે વળી ને મૂંઝાય છે
અહીં નાનકડા રોટલાનો ટુકડો પણ માણસની આંખોનું સપનું થઇ જાય છે
કાચ સમી જિંદગીને સાચવતા માણસનાં આંસુની ધાર કદી સહેજો
છાતીના મૂળ સુધી એની તરસ પછી તમને ના વાગે તો કહેજો

~ તેજસ દવે

છેલ્લી લાઇન વાંચો….. વાગી ન જાય તો કહેજો

🥀🥀

કાગળના ડૂચા શી જિંદગી થઇ ને તોય સાચવીને બેઠું છે કોક
સ્હેજ પરપોટો ફૂટે ને દરિયો થઇ જાય હજુ એવા છે કેટલાય લોક

ખાલીખમ પેટના એ ખાડામાં ખુંપેલી કેટલીયે સાંઝ અહીં રોઈ છે
પાણીના કોળીયાથી માણસની સળગેલી ભૂખ અહીં ઠરતી મેં જોઈ છે
તોય હજુ ફૂટપાથે બેસીને જિંદગીઓ ગોખે છે જીવતરના શ્લોક
કાગળના ડૂચા શી જિંદગી થઇ ને તોય સાચવીને બેઠું છે કોક…….

કેટલી તિરાડ પડી અંદર ને બ્હાર તોય ચાલે છે એમ હજુ શ્વાસ
જેમ અંધારા ઓરડાને બારણાની તડમાંથી મળતો રહે આછો ઉજાસ
પાંજરાના પોપટની જેમ અહીં કેટલાય સપનાંની મરડાતી ડોક
કાગળના ડૂચા શી જિંદગી થઇને તોય સાચવીને બેઠું છે કોક

~ તેજસ દવે

માણસની સળગેલી ભૂખને કવિ પાણીના કોળિયાથી ઠારવાનું કહે છે ! આહ અને વાહ….

🥀🥀

સુનકારમાં ડૂબી જઈને
ગામ થયું છે ખાલી
અડકો દડકો દહીં દડુકો
રમતાં દીકરી ચાલી

દીકરી મારું અજવાળું પણ સાથે લઈને ગઈ
મારી સાથે ઘરની છત દીવાલો ઘરડી થઈ
હથેળીઓમાં મહેંદી મૂકી કેમ હું માંગું તાલી ?
અડકો દડકો દહીં દડુકો રમતા દીકરી ચાલી….

હું જ લખું ને હું જ મોકલું મને જ એનો કાગળ
‘તમે કેમ છો પપા લખતા આંસુ આવે આગળ
હજુ કાનમાં આવી બોલે ભાષા એની કાલી
અડકો દડકો દહીં દડુકો રમતા દીકરી ચાલી

~ તેજસ દવે

દીકરીવિદાય હજુ આંસુનો જ ઉત્સવ છે…. હવે દીકરીઓ હસતી હસતી જાય છે ખરી પણ માતા-પિતાની આંખ કોરી નથી જોઈ….

‘હથેળીઓમાં મહેંદી મૂકી કેમ હું માંગું તાલી ? કેવું મજાનું ?

🥀🥀

હોય એક સરખા જો સપનાંઓ કેમ કદી બેઉને ફળતા નથી ?
હાથમાં જ હોય એને મળવાની રેખા ને તોય અમે મળતા નથી .

અંધારા ઓરડામાં મુઠ્ઠીભર તેજ મળે
તોય એમ લાગે કે જીવીએ
તરફડતી માછલીની વેદનાનો ભાર લઇ
તૂટેલા સગપણ ને સીવીએ
હું જ હવે રસ્તો થઇ બેઠો ને તોય હજુ
પાછા વળતા નથી
હોય એક સરખા જો સપનાંઓ કેમ કદી
બેઉને ફળતા નથી ?

સરખા બે પાટા પણ સાથે ના હોય અમે
પાસે થી દૂર એમ રહીએ
કાંઠાની જેમ અમે વેઠીયે ઝુરાપો ને
આંસુની નદીઓમાં વહીએ
સૂરજની જેમ તમે સાંજ પડે મારામાં
કેમ કદી ઢળતા નથી ?
હોય એક સરખા જો સપનાંઓ કેમ કદી
બેઉને ફળતા નથી ?

~ તેજસ દવે

એકદમ પાયાનો અને વાસ્તવિક સવાલ લઈને કવિ આવ્યા છે પણ એનો જવાબ કોઈ કરતાં કોઈ પાસે નથી…

🥀🥀

મર્યા પછી પણ દાન કરી છે,
કાયા પણ સુલ્તાન કરી છે.

રાખી એણે કેવી દૂરી?
ખુદને પાકિસ્તાન કરી છે.

પંખીઓનો સોદાગર છે,
ત્યાં કન્યા તેં દાન કરી છે !

આંસુનું પરફ્યુમ વેચવા,
આંખોની દુકાન કરી છે.

ખાદીમાંથી ધીમેધીમે,
જાત અમે કંતાન કરી છે.

~ તેજસ દવે

પાકિસ્તાનશબ્દ હવે માત્ર કોઈ દેશનું નામ ન રહ્યું !!! ઓહ….

છેલ્લો શેર ખૂબ ગમ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

9 thoughts on “તેજસ દવે ~ પાંચ કાવ્યો * Tejas Dave”

  1. દિનેશ ડોંગરે નાદાન

    વાહ તેજસ ખૂબ સુંદર રચનાઓ. ગીતની ભાવાભીવ્યક્તિ અદભૂત.

  2. Kaushal yagnik

    ફૂટ પાથે સૂતેલા

    જઠરાગ્નિ કાવ્યની યાદ આવી

  3. હરીશ દાસાણી.મુંબઈ

    સામાજિક સંદર્ભના ગીત તથા ધારદાર કટાક્ષ યુકત ગઝલ મજાના.

  4. આદરણીય લતાબહેન આપનો ખૂબ ખૂબ આભાર…

  5. સુરેશ 'ચંદ્ર'રાવલ

    પહેલું ગીત કાવ્ય ખૂબ ચોટદાર… બીજા કાવ્યો પણ એકંદરે સરસ… પણ ગઝલ બહું અસર કરતી નથી…!

Scroll to Top