

🥀 🥀
*સંવેદના*
હલકા હાથે પસરાવો
કે હળવેથી ખોતરો
કવિતા નીકળી આવે
એવી સંવેદનશીલતાને
કવચમાં બીડીને થોડી જ રાખી શકાય?
રીઢી થઈ જાય
એટલી
ઘસાઈ જશે એવા ડરથી
કોરાં પાનાં વચ્ચે
અર્થસંભાવનાવાળા શબ્દો જોડે
સંવેદનશીલતા દબાવીને
થોડી જ સાચવી શકાય?
પ્રેમમાં તણાઈને
તિરસ્કારથી પીંખાઈને, અવગણનાથી ગૂંગળાઈને
સહસ્ત્રમુખે ખીલે છે સંવેદનશીલતા
દંગલોમાં કપાઈ મરશે
અત્યાચારમાં બળી જશે
સંઘર્ષમાં વહી જશે કે
ઘરના કજિયાથી માંડીને
સાહિત્યના રાજકારણ સુધી ફેલાયેલા
અટપટા લોકો વચ્ચે
અટવાઈ જશે-ના ડરથી
બુઠ્ઠી આંખે
નદી-પર્વત કે જંગલોમાં કે
ધરાશાયી પ્રેમના
સૂમસામ રસ્તાઓ પર
હવાફેર કરાવી
કવિતાને જીવંત
થોડી જ રાખી શકાય?
~ અશ્વિની બાપટ
લોકોની સંવેદના હવે બુઠ્ઠી થતી જાય છે એ સાબિત કરતા બનાવો ચારેકોર બન્યા રાખે છે એવા સમયમાં –
સંવેદના સાથે શું શું થઈ શકે કે શું શું ન થઈ શકે એની મથામણ. મૂળે સંવેદનાનો વિસ્તાર. આ સંવેદના જ આવી ગડમથલને જન્મ આપે છે. એ ડગલે ને પગલે પ્રશ્નો ઊભા કરે છે. વિચારશીલતા અને સંવેદનશીલતા એ આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે તો સાથે સાથે એ પણ વિચારવું પડે કે એ માનવીને જંપવા નથી દેતી. પોતાની સાથે થાય કે અન્યો સાથે થાય, એ બધું અનુભવે છે, હરખાય છે કે ગૂંગળાય છે. આમ તો ગૂંગળાવાની ઘટનાઓ જ ચારેકોર….
કાવ્યવિશ્વમાં અભિનંદન સહ સ્વાગત છે
* ચપટીક અંધકાર * અશ્વિની બાપટ * સાયુજ્ય 2020

સંવેદના.. સંવેદનાથી ભરપૂર છે.
ખૂબ સરસ કાવ્ય. આપની આસ્વાદીક નોંધ ગમી.
જી. આભાર મેવાડાજી
ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ આસ્વાદ નોંધ ખુબ સરસ
જી. આભાર છબીલભાઈ
સંવેદનશીલ લોકોના જ બધા પ્રશ્નો છે, સર્જકના આળl મન ઉપર થતાં ઉઝરડા કવિતામાં ઊતરી આવે છે.. બસ, કેમેય કરીને સંવેદનશીલતા સાચવી લેવાય તો એ ધર્મ છે સર્જકનો.
રેખાબા સરવૈયા
સાચું કહ્યું આપે.
મુલાકાત લેવા બદલ આભારી છું.