
🥀 🥀
ચરણને અચાનક છળી જાય રસ્તો
મુસાફરનું મન કળી જાય રસ્તો !
નિહાળીને સંકેત આગળ વધો પણ
તમારી જ મંઝિલ, ગળી જાય રસ્તો !
સવારી તણા દબદબાથી પ્રભાવિત
અદબ જાળવીને, લળી જાય રસ્તો !
દગાબાજ શા લક્ષ્યને વસવસો છે
સતત ચાલવાથી ફળી જાય રસ્તો !
કદી જાણકારોય ભૂલા પડે ત્યાં
અજાણ્યાને સહેજે, મળી જાય રસ્તો !
~ ઊર્મિ પંડિત
આ કાવ્યની પ્રથમ પંક્તિ ‘ચરણને અચાનક છળી જાય રસ્તો’ વાંચતાં જ યાદ આવે ને કવિ મનોજ ખંડેરિયા…
એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા / એક પગ બીજા પગને છળે એમ પણ બને…
પણ બસ આટલું જ.. પછી કવિની યાત્રા અલગ આરંભાય છે રસ્તાની તરફ… જ્યાં માર્ગ જ મંઝિલ છે… રસ્તો જ રાહબર છે.. આખીયે કવિતા રસ્તાના ચિંતન તરફ ફર્યા કરે છે.
રસ્તો કહો કે પથ, જીવનમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. બાળપણમાં પા પા પગલી કરતા બાળકને ચાલવાને રસ્તો જોઇએ છે તો મોટા થયા પછી પોતાની કારકિર્દી, આજીવિકા અને જીવવાના સાધન તરીકે પણ રસ્તાની શોધ મુખ્ય બાબત બની રહે છે. ધીમે ધીમે એ જીવનના લક્ષ્યની શોધ તરફ પણ વળી શકે છે…. અલબત્ત દૃષ્ટિ ખુલવાની વાત છે.. એનો ઉઘાડ થાય તો રસ્તો આપોઆપ જડી રહે છે… રસ્તા સંદર્ભે ચિંતન આદરીએ તો આખો નિબંધ લખી શકાય… આ નાનકડી કવિતામાં યે એની એક ઝલક સરસ મજાની રીતે વ્યક્ત થઇ છે !!
કાવ્યનો ભાવપક્ષ મજબૂત છે, પસંદ કરવાનું આ જ કારણ…
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 101 > 27 ઑગસ્ટ 2013 (આસ્વાદ ટૂંકાવીને)

નિહાળી ને સંકેત…
સવારી ના દબદબા થી..
આ લીટીઓ ખાસ ગમી ધન્યવાદ
રસ્તાને રદિફ તરીકે લઈને ઘણા કવિઓએ ગઝલો રચી છે, એમાં આ એક સરસ ઉમેરો.
લતાબેન …ખુબ ખુબ આભાર