કવિ દિલિપ ઝવેરી, હમણાં જ કવિને ‘સાહિત્ય અકાદમી’ એવોર્ડ મળ્યો. આપણે ત્યારે એમની એક રચના જોઈ. ફરીને ‘કાવ્યવિશ્વ’ તરફથી અઢળક અભિનંદન કવિ.
કવિની ‘જીભતર’ રચનાનો આસ્વાદ માણો કવિ સંજુ વાળાની કલમે
*જીભતર*
મેલા વરસાદમાં પલળ્યા હો
છાંયડા વિનાના રસ્તે ન હટતા પરસેવાને હડસેલતા હો
લોકલ ટ્રેનની ગરદીમાં છુંદાતા હો
દુર્ગંધમાં અકળાતા હો
જીવવા સાથે લગરીક પણ લગાવ ન રહ્યો હો
અને ચાલવાનું ખૂટે નહીં
ત્યારે સમજાય
ઘર એટલે શું
તમે જેને ઘર સમજો છો
તે મારા માટે કવિતા છે
ઘર તો ક્યારેક જ સજાવેલું હોય
બાકી તો વેરવિખેર
પણ એની એ જ ખુરશીમાં બેસી
એની એ જ રંગની ભીંત સામે જોતાં જોતાં
ફૂંકથી છારી હઠાવી ટાઢી ચાને હોઠે લગાડતાં
જૂના ધાબામાં એકાદ નવો ચહેરો વરતાય
કે મિજાગરે ત્રાંસી બારીની ફાટમાંથી દેખાતી
ઓળખીતી અણગમતી શેરીમાં
અજાણ્યો પવન ફરફરિયાં ઉડાવી જાય
અને એની એ જ રોજની ભૂખ માટે
એની એ જ દાળમાં
એનો એ જ રાઈમેથી લસણનો વઘાર પડે
તોય જીભે નવેસરથી રઘવાટ થાય
એમ જ
કવિતા નવા શબ્દને જીભ પર સળવળતો કરી દે છે.
~ દિલીપ ઝવેરી
*પરિચિત કે ઘરેલું રસ, ઘ્રાણ, સ્વાદ, શ્રુતિનો નવતર ઉઘાડ* ~ સંજુ વાળા
કવિતાના પાકા નાતેદાર સર્જક કવિતા વિશે વાત કર્યા વગર ન રહી શકે. કવિતાની વ્યાખ્યાઓ તો વિદ્વાનો કરે પરંતુ સર્જકની સ્વાનુભૂતિમાં કવિતા કેમ અને કેવા રંગેરૂપે ઝિલાઈ કે પોતે જેને કવિતા કહે છે તે ઘટના સર્જકચિત્તના ક્યા ખૂણે કેવું અજવાળું કરે છે તે વાત તો કવિ સિવાય કોણ કરે ? George sand નામે ફ્રેન્ચ કથાલેખક અને પત્રકારનું એક સરસ વિધાન છે : He who draws noble delights from sentiments of poetry is a true poet, though he has never written a line in all his life.(જે કાવ્યાત્મક લાગણીઓમાંથી ઉમદા આનંદ મેળવે છે તે સાચો કવિ છે, ભલે તેણે જિંદગીભર એક પણ લીટી લખી ન હોય.) જોકે, આજે કવિતાની વાત જરા નોખી રીતે મંડાય છે. એને જીવાતા જીવન-જગત સાથે, એક માનવ તરીકે અનુભવેલાં અનેકવિધ ભાવ સાથે તથા એણે કરવાં પડતાં સમાધાન અને સામના સાથે તેને ઊંડો ઘરોબો છે અને એની વાત સર્જકો કરે છે. સભાન કવિ આ વાત પણ, કવિતાની શરતે અને રીતે કરે છે. આવો, આવી એક વાતના આજે સાક્ષી થઈએ.
પ્રસ્તુત કાવ્યનું શીર્ષક જોઈને જ ભાવકની આંખે, સર્જકે કરેલો ચમકાર અંજાય જાય. કેવો સર્જનાત્મક શબ્દ. ‘જીભતર.’ આપણો રોજિંદો અનુભવ ‘જીવતર’ એટલે કોઈપણ જીવે પોતાની નિયતિ સાથે પસાર કરેલો સમયગાળો. ‘જીભતર’ એટલે કવિ કહે: કવિતા માટે જીભ પર પ્રવૃત થાય તે નવો શબ્દ, કવિતાનો નવ્ય અનુભવ. બસ અહીંથી જ સર્જકનો ફાંટેબાજ મિજાજ તો વર્તાય પણ ફાટફાટ સર્જકતાના પણ સંકેત સાંપડવા માંડે. કહેવાયું છે ને કે સાહસ ન કરે તે સર્જક નહીં ! આ કવિ સાહસિક તો છે જ પણ એ સાહસને પાર ઉતરવા સમર્થ પણ છે. સ્વકીય ભાષાની રઢિયાળી રમણા, નવતર સંવેદન સાથે બાથ ભીડવાની સતત ખેવના અને અચરજ પમાડતી અભિવ્યક્તિથી ચડતી આંટીએ અવતરતું કાવ્યપોત આ કવિની અનેક પૈકીની થોડી વિશિષ્ટતા ગણાવી શકાય. જોઈએ પ્રસ્તુત કાવ્યના સંદર્ભે તેના વળ-વળોટ અને વિકાસ.
કાવ્યની શરૂઆત જ ‘મેલા વરસાદ’થી થાય. કાચોપોચો ભાવક તો માની લે કે આ પેલા ને બદલે મેલા છપાયું લાગે છે. પરંતુ કવિને જે વરસાદ મૂલવવો છે એ તો જીવતર સાથે જોડાયેલો પોતીકા પરસેવાનો છે. કાવ્યનાયક જીવનભરનાં પડેલ પાસા, ચડાવ-ઉતાર અને વ્યથા-વિતક સાથે લઈને આવ્યો છે. ઘરની શોધમાં નીકળેલા નાયકને કેવાકેવા પડાવ વટાવવા પડે છે. એમાંય તે જીવવા સાથેનો નાતો તૂટ્યો હોય એમ કહીને તો બધાં જ પડાવ પર ટોચ ચડાવી કવિ ભાવકને કવિતાના આદર્શ દર્શને લઈ જવા ઈચ્છે છે. હા, ભાવકનીય તૈયારી પણ જોઈશે એમાં. જીવતરના પરમ થાકની ક્ષણે ઘર મળે એમ સાચી કવિતા પણ એવી જ શાતા આપે પરંતુ આ બન્ને સહેલાઈથી મળવા મુશકેલ છે. મળે તો મળે. સો વાના ભેળાં કરી એકબીજાના સૌહાર્દ ઉમેરી ઘર બનાવવાનું હોય એમ કવિતા પણ હજાર વાના માગે. બધું જ વેરવિખેર અનુભવેલું એકત્ર થાય ને હાશ નામે એક ચમકારો પ્રગટે, એ કવિતા. જીવન સાથે એનો સીધો સંબંધ છે તેની જબરી સ્થાપના કવિએ કરી દીધી. હવે આ ઘર, ના, કવિતામાં પ્રવેશીએ તો શું મળે? એની વાત આગળ.
ઘરમાં પ્રવેશો કે કવિતાના પ્રદેશમાં વિહરો તમારી બધી જ્ઞાનેન્દ્રિયોને સજાગ અને સતેજ રાખો તો ભાળવા-ભોગવવાનું સહેલું થઈ જાય. એને સંકેતવાં કવિ ઝીણવટભરી વિગતો નોંધે છે. શરૂઆત થાય ઘરમાં ના, કાવ્યમાં પ્રવેશતાં જ સામે ખડકાતી પરિચિતતાથી. હજી એ જ ખુરશી અને એ જ દીવાલો ને એના એ જ રંગ છે. આ જોવાનું હજી પૂરું થયું ન હોય ત્યાં તરત સ્વાદેન્દ્રિય સળવળે ને તર તારવીને ચા-નો સબડકો તો ભર્યો પણ નીકળી ટાઢી. સ્વાદમાં મન ન લાગ્યું ને એણે આંખને એ જ પરિચિત ધાબામાં ધકેલી. તો આશ્ચર્ય. અરે! આ વળી નવું કોણ? બસ કવિતા આમ જ એના રંગરૂપ બદલે. એ જ જાણીતી ભાષા ને એ જ લિપિ પણ ક્યારે નવા જ અનુભવનો ચમત્કાર કરાવે એ નક્કી નહીં. પરંતુ સજાગ અને સક્ષમ સર્જક એ કરાવ્યે છૂટકો કરે. અહીં પણ કવિએ ઈરાદાપૂર્વક રચેલું ડહોળું ભાવચિત્ર એટલે કે ચિત્ર પર જાડા પારદર્શક કાગળના આવરણ જેવું સંવેદનને ગોપિત રાખતું ભાષાપોત હટે ને કેવું અજવાળું થઈ જાય ! બસ કવિતા એમ ઊઘડે. એને બારીની ફાડમાંથી દેખાતી શેરી ને ફરફરિયાં ઉડાડતો પવન કહી કવિએ પણ સરસ ભાષાપોત રચ્યું છે. કવિતા બધું ખોલી ન આપે, ઇશારો કરે. ભાવકે એને જાણવાનો ને એ આધારે રસ્તો શોધવાનો. ઉત્તમ કવિતાનું આ પણ એક લક્ષણ હોય છે.
પછીની ચાર પંક્તિઓમાં કેટલી બધી જ્ઞાનેન્દ્રિયો એકસાથે સંયોજાય છે ! ભૂખ માટે કઈ જ્ઞાનેન્દ્રિય કામ કરે? દાળ, રાઈ-મેથી, લસણનાં રંગ, રૂપ, આકાર, સ્વાદ ને વઘારના છમકારાનો ધ્વનિ કેવો જાણીતો પરિવેશ ! છતાં એ બધું જ સાથે મળીને ભૂખને ભડકાવે એમ કવિતાય ક્ષુધિત ચિત્તને ઉશ્કેરે અને ઠારે પણ. ભૂખનું તો એવું કે એક વખત સંતોષી લેવાથી કાંઈ કાયમનું સુખ ન થઈ જાય. એ તો વચગાળાની રાહત છે. એમ એક ઉત્તમ કાવ્યથી કાંઈ કવિનું કામ પતી ન જાય. સાચો કવિ જ એ, જે સતત ઉત્તમ ઝંખે. જેવો, જીભ પર વિકસતો રહેતો નવો-નવો રઘવાટ. કેવો સરસ અભિવ્યક્તિ અને નિરૂપણાનો કસબ દાખવ્યો છે કવિએ ! જીભ પર પેલા સ્વાદનો રઘવાટ અને એ જ જીભ પર શબ્દનો સળવળાટ ! પેલી ઠરી ગયેલી ચા ઉપર ‘તર’ હતી એ આ જીભ સાથે સંયોજાઈને ‘જીભતર’ થઈ ગઈ ? જેમ ફરી ચૂકેલો શબ્દ વળગે ! આસપાસની જ બધી પરિચિતતા વારંવાર સંપર્કમાં આવી કશોક નવતર કે અપરિચિત અનુભવ આપે એમ કવિતા પણ વખતોવખત નવતર રીતે ખૂલે, ઊઘડે. અને એમાંથી જ સાંપડે ઉપર કહ્યું તે ‘જીવતર’ અને ‘નવતર’નો એક નવ્ય આયામ ‘જીભતર.’ ફરી પાછા આ કાવ્યમાં પ્રવેશીએ.. વળી.. સમજીએ..વળી વાંચીએ. બસ આ સતત પ્રવાસ એ જ તો કવિતા અને એ જ તો પેલું ‘એનું એ જ’નું થતું આગવું અને નવુંનવું રૂપાન્તર. જીભતર અને એ જ તો કવિતાનો ઉત્તમ આનંદ. પ્રાપ્તિ. જે કહો તે.
ભગવાનની વાતો (૨૦૧૯) કવિ દિલીપ ઝવેરીના અનોખા કાવ્યઆયામનો નોખો અને ગુજરાતી ભાષા સાથેનો બહુ નરવો, નિરાળો અનુબંધ છે. સાહિત્ય અકાદમીનો એવોર્ડ કવિને મળ્યો એમ કહેવા કરતાં આ એવોર્ડ યોગ્ય કવિ અને યોગ્ય કવિતા સુધી પહોંચ્યો તેનો વધુ આનંદ છે. સ્વાભાવિક જ સૌ કાવ્યધર્મીઓને પણ એમ જ હોય.
મુંબઈના શ્રી દિલીપ મનુભાઈ ઝવેરી (૩, એપ્રિલ ૧૯૪૩) કવિ, વિવેચક, નાટક-નિબંધલેખક. કવિનો જન્મ, ઉછેર, શિક્ષણ અને જીવતર બધું મુંબઈમાં. વ્યવસાયે તબીબ. ૧૯૮૯માં ‘પાંડુકાવ્યો અને ઇતર’ નામે પ્રથમ કાવ્યસંગ્રહ. ક્રિટીક્સ ઍવોર્ડ (૧૯૮૯), જયંત પાઠક કવિતા પુરસ્કાર (૧૯૮૯) સાહિત્ય પરિષદ પારિતોષિક અને હવે ૨૦૨૪નો સાહિત્ય અકાદમી એવોર્ડ કવિના કાવ્યસંગ્રહ ‘ભગવાનની વાતો’ માટે. આ કવિના અનેક કાવ્યોના અનેક ભારતીય અને વિદેશી ભાષામાં અનુવાદ થયા છે. દિલીપ ઝવેરી સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય સર્જક છે.
@@

Very much enjoyed but now what I write when so much substantial is written above
ખૂબ ખૂબ સરસ અછાંદસ રચના એવો જ ઉત્તમ આસ્વાદ..
બન્નેને અભિનંદન.
કવિ શ્રી દિલીપ ઝવેરીને અભિનંદન. સરસ કાવ્યાસ્વાદ.
સરસ આસ્વાદ
👌👌વાહ