

🥀 🥀
મિત્રો,
પુસ્તક પરિચય લેવાનું પહેલી વાર બને છે પણ એ પ્રસ્તુત છે. આખું પુસ્તક કવિતાને અંકે કરીને ચાલે છે. કવિતા એટલે શું – થી માંડીને કવિતાની ખૂબી-ખામી અને કવિતાને સમજવાની ચાવીઓ બખૂબી નિરૂપાઈ છે. ઉદયનભાઈએ મને ઘણાં વખત પહેલાં આ પુસ્તક મોકલ્યું અને મેં એનો શબ્દે શબ્દ પીધો છે. શ્રી સોનલ પરીખે લખેલો આ આસ્વાદ ખૂબ સરસ છે, જે ‘કાવ્યવિશ્વ’ના કાવ્યપ્રેમીઓ માટે પ્રસ્તુત છે.
અલબત્ત પુસ્તક તો વાંચવું જ પડે પણ ‘કેમ?’ એનો જવાબ મળે એટલા માટે આ લેખ ઉપયોગી.
અભિનંદન ઉદયનભાઈ, આવું સરસ પુસ્તક લખવા માટે અને ખૂબ આભાર મને મોકલવા માટે.
લતા હિરાણી
***
લેખાંજોખાં: કવિત્વ અને સમીક્ષકત્વનું મસ્ત લેખન-જોખન ~ સોનલ પરીખ
સર્જન અને વિવેચન સાહિત્યની બે પાંખ છે. બંને માટે અલગ પ્રતિભા જોઈએ. બંનેની સાહિત્યમાં અલગ ભૂમિકા છે. એક જ પ્રતિભા સર્જન અને વિવેચન બંને કામ કરતી હોય ત્યારે ને જો એમાં સંતુલન સચવાય તો ભાવક સર્જનાત્મક વિવેચનની અલગ છટા, અલગ મઝાનો સ્વાદ માણે. ‘લેખાં જોખાં’માંથી પસાર થઈએ ત્યારે આવો અનુભવ થાય છે. ચાર કાવ્યસંગ્રહો અને છ સાહિત્યઆસ્વાદો પછીનું ઉદયન ઠક્કરનું આ અગિયારમું પુસ્તક પણ કવિત્વ અને સમીક્ષકત્વની આગવી છાપ લઈને આવ્યું છે. એનું પેટાશીર્ષક ‘સાહિત્યનો આનંદકોશ’ યથાર્થ જ છે.
પુસ્તકમાં 18 લેખ છે. પહેલા લેખ ‘ભાવયિત્રી પ્રતિભા – પરસ્પરને પડકારતા સર્જક અને ભાવક’ના પહેલા જ વાક્યમાં વિ.સં. 930થી 977માં થઈ ગયેલા પંડિત રાજશેખરનો ઉલ્લેખ છે જેમણે પોતાના ગ્રંથ ‘કાવ્યમીમાંસા’માં પહેલી વાર કારયિત્રી અને ભાવયિત્રી પ્રતિભાનો વિચાર મૂક્યો હતો. એ જ લેખમાં સેમ્યુઅલ બેકેટ અને તેમના નાટક ‘વેઇટિંગ ફોર ગોદો’નો ઉલ્લેખ છે. આમ એક લેખમાં પુરાતન અને નૂતન અંતિમો વણી લેવાયા છે. વળી પુસ્તકનો છેલ્લો લેખ છે ‘ડાયસ્પોરા ગુજરાતી કવિતા’ જેમાં યુરોપ-અમેરિકામાં વસેલા ગુજરાતીઓના કાવ્યસર્જનની વાત છે, એટલે પુસ્તકમાં પણ બંને છેડે પુરાતન-નૂતન સર્જનસંદર્ભો છે અને બંને વચ્ચેના લેખોમાં અનુરૂપ એવું વિષયવૈવિધ્ય છે. ‘સાહિત્ય એટલે સર્જક અને ભાવકનું સંયુક્ત સાહસ’ કહી, સાહિત્યકારની સમાજમાં ભૂમિકાની સુંદર છણાવટ કરીને લેખક છ લેખમાં છ કાવ્યસંગ્રહો સાથે આપણી મુલાકાત કરાવે છે, ચાર પ્રસિદ્ધ કવિઓ જે મુખ્યત્વે ગઝલકારો નથી એમની ગઝલોની વાત કરે છે, બે લેખ પુસ્તકો વિષે અને બે બાળસાહિત્ય પર આપે છે. આમ દોઢસો જેટલાં પાનાં વિષયવૈવિધ્ય અને જાણકારીથી ભરપૂર છે. આ લેખો 1998થી 2023 દરમ્યાન પ્રસ્તાવના કે વક્તવ્યરૂપે તૈયાર થયેલા છે.
અચ્છા, તો વિવિધતા માત્ર વિષય પૂરતી છે? ના. વિવિધતા અભિવ્યક્તિની પણ છે.
લેખક ઉતાવળમાં હોતા નથી. શિથિલતા પણ બતાવતા નથી. જે તે વિષયમાંથી શાંતિપૂર્વક, રસપૂર્વક, તન્મયતાપૂર્વક, સમજપૂર્વક પસાર થાય છે. કોઈ પૂર્વગ્રહ કે અભિગ્રહથી બંધાતા નથી. નીરક્ષીરવિવેક જાળવે છે અને જે કહેવું છે તે શબ્દો ચોર્યા વિના પણ આભિજાત્યપૂર્વક, પોતાની આગવી રીતે – વાચકને પણ આ જ રીતે એમના પુસ્તકમાંથી પસાર થવાનું મન થાય એ રીતે કહે છે.
મિંયા ફૂસકી, તભા ભટ્ટ અને દલા શેઠની ત્રિપુટી રાજપરમાં પુસ્તકાલય માટે બાળકોનાં પુસ્તકો ખરીદવા અમદાવાદ આવી છે, ‘નિરાંતે પુસ્તકો વાંચવા ને પછી ખરીદવા’ એવું નક્કી કરી ત્રણે સરકારી લાયબ્રેરીમાં બેસી પુસ્તકો ઊથલાવે છે, એકબીજાને બતાવે છે, ટિપ્પણી કરતા જાય છે ને તૈયાર થતું જાય છે ‘1996-97ના બાલસાહિત્યનું સરવૈયું.’ બાળકોનાં પુસ્તકોની વાત બાળકોનાં(અને મોટાઓનાં પણ) પ્રિય પાત્રોને મુખે, વિષયને બિલકુલ ચાતર્યા વિના. ખાસ્સાં પંદરેક પાનાંમાં વાર્તાઓ, કાવ્યો, વિજ્ઞાનકથાઓ, નાટિકાઓ, જીવનચરિત્રોની વ્યવસ્થિત માહિતી જીવરામ જોષી સ્ટાઇલમાં અપાય છે ને છેલ્લે મિંયા ‘હા, અમે સિપાઈ બચ્ચા’ કહેતાં મોજડી ચમમાવતાં ચાલી જાય છે. ઘનશ્યામ દેસાઈની બાળવાર્તાઓ વિશેનો લેખ ‘રૂમાલદાવ’, આની સામે ત્રણ જ પાનાંનો છે. પણ તેમાં કહેવાઈ છે છ વાર્તા. વચ્ચે વચ્ચે કૌંસમાં નાનું-શું, કશુંક ઉઘાડી આપતું ઇંગિત અને અંતે પશુપંખીઓ સાથે રૂમાલદાવ રમતા ઘનશ્યામ દેસાઈનું પોતાની પીઠ પાછળ આવેલો રૂમાલ લઈ સ્મિત વેરતાં ચાલ્યા જવું. આ લેખ ‘ઘનશ્યામ દેસાઇ સ્મૃતિગ્રંથ’ માટે લખાયો છે, એટલે ‘ચાલ્યા ગયા’ સાંકેતિક બને છે.
એક સમીક્ષા સંવાદ રૂપે છે. લેખનું નામ છે ‘સત્તરસોના સરવાળામાં ઓગણીસોની ભૂલ’ વિષય છે રાજેન્દ્ર શાહ, ઉશનસ, જયંત પાઠક અને ચંદ્રકાંત ટોપીવાળાની ગઝલો. ગની દહીંવાલા પૂછે છે, ‘છોકરા, શું વાંચે છે આજકાલ?’ લેખક કહે છે, ‘મોટા કવિઓની ગઝલ’ ‘તે સંભળાવની. અમારા જેવા નાના કવિઓને પણ કઈં શીખવાનું મલે.’ અને દાખલાદલીલ સાથે પણ હળવાશથી ચર્ચા ચાલે છે. કાફિયા વિનાની, પ્રાસ વિનાની, એક કરતા વધારે રદીફ સાથે, મત્લામાં ભૂલો કરીને અને ગઝલનું બંધારણ વિસારે પાડીને લખાયેલી ગઝલો ચીંધી આપી છે, સાથે સુંદર શેરો ટાંકીને તારીફ પણ કરી છે. વાચકને ખબર પણ ન પડે તેમ તેને ગઝલ-સ્વરૂપનાં આંતરબાહ્ય આકાર, પોત અને મિજાજ પકડાતાં જાય છે; આ ચારે મોટા કવિઓએ ગઝલકાર તરીકે કાઠું કાઢ્યું છે કે ગરબડો કરી છે તેનો અંદાજ આવતો જાય છે ને મોજ પડે છે.
ગઝલો પર બીજા બે લેખો છે, ‘ગઝલનું ગુજરાતીકરણ’(‘તાણાવાણા’-2, વિવેચન, હેમંત ધોરડા). ‘લેખકનો અભિગમ એવો છે કે ગઝલનું ગુજરાતીકરણ થયું છે તો ગઝલવિવેચનનું પણ તેમ થવું જોઈએ’ એવી શરૂઆત સાથે અને પુસ્તકની લેખોનાં શીર્ષકથી માંડી લેખોના અંતસત્ત્વની વિગતોની રસપ્રદ છણાવટ પછી ઉદયનભાઈ નોંધે છે, ‘હેમંતની પ્રતિભા બહુમુખી નથી, તે એક જ મુખે બોલે છે.’ એક વાક્યમાં ઘણું કહેવાઈ જાય છે. ‘ગુજરાતી ગઝલના ઇતિહાસ સંદર્ભે “સફરના સાથીઓ”’(વ્યક્તિચિત્રો : રતિલાલ અનિલ)માં, ‘ટીપાંની વાત અંતે તો સમુંદરની વાત છે’ એ હેમેન શાહની પંક્તિનો ઉલ્લેખ કરી ‘26 ગઝલકારોની ઓળખ એ અંતે તો ગુજરાતી ગઝલના ઇતિહાસની જ ઓળખ છે. આમ ઉત્તમ છે ને તેમ પણ ઉત્તમ છે’થી સમાપન થાય છે.
‘વાગ્વૈભવ અને વાગાડંબર’ લેખમાં કહે છે, ‘આપણે વેણીભાઇ પુરોહિતનાં કાવ્ય કુસુમોથી ખોબો ભરીને વાગ્દેવીને અર્ઘ્ય ચડાવી શકીએ, પણ વાગ્દેવીની વેણી ગૂંથવાની હોય તો કુસુમો ઓછાં પડે.’ શક્તિ અને મર્યાદાનાં કેવાં આબાદ લેખાંજોખાં! ‘સોનાની થાળી..’ લેખમાં, ‘“ઘરઝુરાપો” બે કવિઓનો સંયુક્ત કાવ્યસંગ્રહ છે. તેના ચાર ઊથલામાંથી પહેલા ત્રણ બાબુ સુથારે લખ્યાં છે… ચોથા ઊથલાના કવિનું નામ પણ યોગાનુયોગે બાબુ સુથાર જ છે.’ પહેલા ત્રણનું કવિત્વ અને છેલ્લામાં કવિતાના લેવાઈ ગયેલા ભોગનું સૂચક ઇંગિત અહીં મળે છે.
‘છાતીમાં બારસાખ’ રમેશ પારેખના આ કાવ્યસંગ્રહની સમીક્ષા નવ પત્રો રૂપે થઈ છે, જેમાંના ત્રણ રમેશ પારેખ, આલા ખાચર અને મીરાં (ઠે.સામે પાર)એ લખેલા છે. ‘નિશાનચૂક માફ’માં ચિનુ મોદીના આખ્યાનકાવ્ય ‘કાલાખ્યાન’, દીર્ઘકાવ્યો ‘વિ-નાયક’ અને ‘બાહુક’ અને તે પછી ગઝલો વિષે બાહ્યાકાર અને અંતસ્તત્ત્વ બંને સંદર્ભે લેખકે માંડીને વાત કરી છે.
‘નિરંજન ભગતની કવિતામાં છંદોવિધાન’ લેખ લખતી વખતે ઉદયન ઠક્કર એટલા જ જાગૃત રહ્યા છે, જેટલા જાગૃત નિરંજન ભગત પોતાનાં કાવ્યોના છંદ અને લય પ્રત્યે હતા. પાકિસ્તાનમાં જન્મેલી અને બ્રિટનમાં ઉછરેલી કવયિત્રી ઇમ્તિયાઝ ધારકરના કાવ્યસંગ્રહ ‘ઓવર ધ મૂન’ની સમીક્ષા કરતાં કહે છે કે ‘આ કવયિત્રી અનિલ જોશીની “શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી” પંક્તિની યાદ અપાવે તેવી છે.’ ‘ક્ષોભ પમાડતી શ્રીમંતાઈ’માં ‘તાંબૂલ’ કાવ્યસંગ્રહ સંદર્ભે હરીશ મીનાશ્રુની વાણીનાં વૈભવ-વૈવિધ્ય-વૈપુલ્યને ઉદયન ઠક્કર મુક્ત મને પ્રશંસે છે, પણ જ્યારે એમને શબ્દાળુતામાં સરી પડતા જુએ છે ત્યારે કલાપીને ટાંકી કહે છે, ‘દ્યુતિ જે તને જિવાડતી, દ્યુતિ તે તને સંહારતી’ આગિયા માટે કરેલું આ વિધાન કવિ માટે ખરું નથી પડતું?’ ‘વિચ્છેદ’ (મણિલાલ હ. પટેલ), ‘સર્જનની ક્ષણે’ (મેહુલ દેવકલા), ગજેન્દ્ર બૂચની કવિતા વિશેના લેખો પણ આસ્વાદ્ય બન્યા છે.
ટૂંકમાં, ચાર કાવ્યસંગ્રહો અને છ સાહિત્યઆસ્વાદો પછીનું ઉદયન ઠક્કરનું આ અગિયારમું પુસ્તક, કવિત્વ અને સમીક્ષકત્વની આગવી છાપ લઈને આવ્યું છે. પુસ્તકનું શીર્ષક ‘લેખાં જોખાં’ અને એનું પેટાશીર્ષક ‘સાહિત્યનો આનંદકોશ’ યથાર્થ તો છે જ, સાથે આ પુસ્તકને અને એમાં ઉલ્લેખાયેલા સર્જકો-સર્જનોને માણવાની ચાવી પણ આપે છે. અસ્તુ.
હાર્દિક આવકાર
ખુબ ખુબ સ્વાગત
Pingback: 🍀નવી પોસ્ટ 4 ફેબ્રુઆરી🍀 - Kavyavishva.com