

🥀 🥀
‘કાવ્યવિશ્વ’માં હૃદયપૂર્વક સ્વાગત છે, કવિ સંજુ વાળાના કાવ્યસંગ્રહ ‘કંઈક / કશુંક / અથવા તો…’ની સંવર્ધિત આવૃત્તિનું.
‘કંઈક હટકે’ ન કરે તો એ કવિ નહીં. વાત કાવ્યસંગ્રહના શીર્ષક માટે. કવિને મિત્રોનો પ્રતિભાવ, ‘કંઈક સારું શીર્ષક રાખો ને !’ ત્યારે સંજુભાઈ ઉત્તરે છે, “તમે કહો છો તે ‘કંઈક’ તો અહીં છે જ અને જેને સારું કહો છો તેના માટે ‘કશુંક’ છે. વાત રહી ‘અથવા તો…’ની, તો આમાં જે ત્રણ ટપકાં છે તે મારે મન કવિતા છે. આ કવિનો દમ છે. મને યાદ આવે છે મારી એક કવિતાનો આસ્વાદ કરાવતી વખતે શ્રી રાધેશ્યામ શર્માજીએ આમ જ એક પંક્તિની પાછળ આવેલાં ત્રણ ટપકાંની અર્થછાયા ચિંધેલી.
સંવર્ધિત આવૃત્તિ છે ત્યારે કવિનું નિવેદન વિશેષ મહત્વનું બની જાય છે. “કવિતાની ભાષા, અભિવ્યક્તિ અને કાવ્યત્વની સમજ થોડે અંશે બદલાઈ હશે પણ ભાવસંવેદનની પરિપાટી તેમ જ પીઠિકા તો ત્યારે હતી એ જ આજે પણ છે. ‘સખીરી’ સાત ગીતોનો ગુચ્છ અનુ-આધુનિક કવિતા તરીકે ‘સમીપે’ના વિશેષાંક માટે શ્રી શિરીષ પંચાલ જેવા કાવ્યમર્મજ્ઞ વિવેચકને પાંત્રીસેક વર્ષ પછી પણ ફરી છાપવાનું મન થયું.
સરકારી સૂચનની ઐસી કી તૈસી કરીને પોતાના ગીતોમાં કવિ આરામથી તમાકુ ચાવ્યાનું સુખ રગરગમાં વહેતું બતાવે છે તો ફળિયામાં ગાંજાના છોડનું ફૂટવું બેધડક ગાઈ શકે છે. અહીં ‘અકળામણ’નું ગીત હેલ્લારા લે છે. કવિના ગાનમાં ‘છેલ્લી વેળાનું ગાન’ અને ‘મરસિયા’ પણ છે ‘મિલમજૂરનું સહગાન’ ઉપસ્થિત છે તો ‘ઘંટડી’ અને ‘બોરપુરાણ’ પણ હાજરી પૂરાવે છે.
ગઝલ તો અત્ર, તત્ર, સર્વત્ર વ્યાપ્ય.
સૌથી અલગ રીતે અહિંસક થઈ જવું સ્વીકારીએ / તો રોજ ઊઠીને વધેલા નખ વધેરી નાખવા.
હું મોરપીંછનું કરું કેવી રીતે પૃથક્કરણ / પ્રત્યેક રંગ આંખથી ટહુકા બનીને નીતરે !
મારા જ ઘર બાજુ આવે કદાચ આવે છે / અલ્લડ પવન સીમ પહેરીને.
અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે / અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં
ધારણામાં પણ ઝીલવું મુશ્કેલ હો / એટલી તું હે પ્રિયે ! પ્રવાહી ન થા.
અલગ કરતી ઓળખના વસ્ત્રો ઉતારી / ચલો એકસાથે પલળીએ આ તડકે
હોવાપણું પ્રત્યક્ષ કરવા ગંધનું / પથ્થર ઉપર હું ફૂલ નિચોવ્યા કરું
ગીત-ગઝલ સમાવતા 101 કાવ્યો લઈને ઉપસ્થિત આ કાવ્યસંગ્રહમાંના બે કાવ્ય અહીં જોઈએ.
72 થી 101 રચનાઓ સંવર્ધિત છે.
તો લ્યો પ્રસાદમાં આ બે રચના… બાકી આખો સંગ્રહ તમે મેળવી વાંચી જ શકો.
‘કંઈક / કશુંક / અથવા તો…’ * સંજુ વાળા * ઝેન ઓપસ 2024 (સંવર્ધિત આવૃત્તિ)


વાહ, કવિ શ્રી ની ગઝલો જરા હટકે ભાવાભિવ્યક્ત કરે છે.
સંજુ વાળા એક કવિ અને તેના કાવ્યો જરા હટકે…! અભિનંદન કાવ્ય સંગ્રહ સબંધે… આભાર લતાબેન…
સંજુ વાળા એક કવિ અને તેના કાવ્યો અદભૂત અનુભૂતિ કરાવી જાય છે…! અભિનંદન કાવ્ય સંગ્રહ સબંધે… આભાર લતાબેન…