
🥀🥀
ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઈ
મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઈ
તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઈ
ભલે અવાજની ક્ષિતિજમાં જઈ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઈ
કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઈ
ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.
~ જવાહર બક્ષી (19.2.1947)
🥀🥀
એક ભ્રમનો આશરો હતો …. એ પણ તૂટી ગયો
પગરવ બીજા બધાયના હું ઓળખી ગયો
ઘટના વિના પસાર થયો આજનો દિવસ
સૂરજ ફરી ઊગ્યો ને ફરી આથમી ગયો
આજે ફરીથી શક્યતાનું ઘર બળી ગયું
મનને મનાવવા ફરી અવસર મળી ગયો
બીજું તો ખાસ નોંધવા જેવું થયું નથી
હું બારણાં સુધી જઈ…..પાછો વળી ગયો
મારાથી આજ તારી પ્રતીક્ષા થઈ નહીં
મારો વિષાદ જાણે કે શ્રદ્ધા બની ગયો
~ જવાહર બક્ષી (19.2.1947)
[ વિપ્રલબ્ધા = અષ્ટનાયિકાઓમાંની એક નાયિકા ]
🥀🥀
અને મારી નજરનો ભ્રમ હજી પણ યાદ આવે છે
પછીનો બુદ્ધિ પર સંયમ હજી પણ યાદ આવે છે
મેં જે પહેલા પ્રણય વખતે હવાને ભેટ આપી’તી
આ સન્નાટામાં એ સરગમ હજી પણ યાદ આવે છે
ત્વચાની ઝણઝણાટી પાતળો પર્દો બની થીજે
જો તારા સ્પર્શનું રેશમ હજી પણ યાદ આવે છે
અજબની તાલાવેલી ને કોઈની ચુપકીદી પાછી
ભલે વીતી ગઈ મોસમ હજી પણ યાદ આવે છે
મને સમજણ પડી ન્હોતી ‘ફના’ એ વાત જુદી છે
કહેલું તેં કશું મોઘમ, હજી પણ યાદ આવે છે
~ જવાહર બક્ષી (19.2.1947)
🥀🥀
તું મળશે મને, એવો ભ્રમ તો નથી,
નહીં મળવું એ પણ નિયમ તો નથી.
વિરહની વ્યથામાં મિલનની મજા,
વિરહ ક્યાંક પોતે સનમ તો નથી.
ન ડરશો કે આયુષ્ય લાંબું મળ્યું,
જીવન જીવવું એકદમ તો નથી.
ગઝલ લખવા જાઉં ને શંકા પડે,
હું પોતે કોઈની કલમ તો નથી.
હવે કેમ એકેય ઇચ્છા નથી,
‘ફના’ ક્યાંક છેલ્લો જનમ તો નથી.
~ જવાહર બક્ષી (19.2.1947)
🥀🥀
વૃક્ષ સૂકું પડ્યું આંખ ભીની તો થઈ
આંગણાને વિકલ્પોની લ્હાણી તો થઈ
એક રસ્તો થયો બંધ તો શું થયું
કૈં દિશાઓ નવી સાવ ખુલ્લી તો થઈ
અહીં તરસ પણ વધી ઝાંઝવાં પણ વધ્યાં
ચાલ એ બ્હાને રણમાંય વસ્તી તો થઈ
ભીડમાં પણ હવે એકલો હોઉં છું
તમને ખોયા પછી મારી હસ્તી તો થઈ
ઘર કિનારા ઉપરનાં છો તૂટી ગયાં
પણ ‘ફના’ એમ દરિયામાં ભરતી તો થઈ
~ જવાહર બક્ષી (19.2.1947)

દરેક ગઝલ સરસ!
બધીજ રચનાઓ ખુબ સરસ ખુબ ગમી
સાદ્યંત સુંદર ગઝલો. કવિને જન્મ પર ખૂબ ખૂબ અભિનંદન તથા સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ.
જન્મદિવસ પર અભિનંદન
ખૂબ જ સરસ પસંદગી ની ગઝલો. આદરણીય કવિ શ્રી જવાહર બક્ષીને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.