
🥀🥀
તારે જે કહેવું છે મને
એ જ
મારે કહેવું છે તને
અને
મારે જે કહેવું છે એ જ
કદાચ
તારે પણ મને….
પણ
એકેય શબ્દ મળતો નથી
અને મૌન એવા આપણે
એકબીજાને
બતાવીએ છીએ
સૂર્ય
ફૂલો, પતંગિયાઓ, વૃક્ષો
વેલી, નદી, તળાવ, પંખીઓ
દૂર ક્ષિતિજે
રેલાતા રંગો
અને
હસી પડતા
ચાંદ – તારાઓ
~ વર્ષા બારોટ
🥀🥀
દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ કૉલમ @ 14 જાન્યુઆરી 2014
એકબીજા પ્રત્યે વ્યક્ત થવાની ઝંખના… દરેક સંબંધમાં હોય પણ જ્યારે બે દિલ પ્રેમના બંધને બંધાય ત્યારે એ અત્યંત પ્રબળ બની જાય. કવયિત્રી વર્ષા બારોટની નાયિકાની મૂંઝવણ કેવી સરસ રીતે અભિવ્યક્ત થઇ છે !! કહેવું છે, વ્યક્ત થવું છે પણ શબ્દ સંતાઇ ગયા છે. મનમાં ભાવના દરિયાની ભરતી છે પણ કિનારે પથરાયો છે સુંવાળી રેતીનો લાંબો પટ… ત્યાં પહોંચીને દરિયાનો ઘુઘવાટ પણ શમી જાય છે.. ફેલાય જાય છે અપાર અગાધ મૌન.. આ દરિયો છે સ્નેહનો…..
મને એક ફિલ્મી ગીત યાદ આવે છે. ‘મુઝે કુછ કહેના હૈ, મુઝે ભી કુછ કહેના હૈ, પહલે તુમ, પહલે તુમ…..’ થોડું તોફાની પણ કંઇક આવો જ ભાવ લઇને ગુનગુનાવવાનું મન થાય એવું ગીત…..
આમ જુઓ તો સાવ સરળ રજૂઆત છે આ કાવ્યમાં, પણ એની અસરકારકતા આ સરળતાને લીધે જ છે. થોડાક નાજુક શબ્દોમાં હળવેથી મનની વાત તરતી મૂકી દીધી છે. વાત સુખની છે, સંતોષની છે, મનમાં ખીલી ઊઠતા મેઘધનુષ્યની છે એટલે હોઠ પરથી શબ્દો નથી સરતા પણ આંખોમાં ઉઘડે છે – ઉગતો સૂર્ય, ખીલેલાં ફૂલો, લીલાંછમ્મ વૃક્ષો, એને વળગેલી વેલી, લહેરાતું સરોવર, આકાશે મુક્ત ઉડતાં પક્ષીઓ કે દૂર ક્ષિતિજે રેલાઇ ઊઠતાં રંગો… એક મીઠાં રંગીન શમણાંની દુનિયા લહેરાય છે આ પ્રતીકોમાં. ઉગતા સૂર્યથી હસી પડતાં ચાંદ-તારાઓ સુધી અને પાસે ઊભેલા વૃક્ષોથી માંડીને દૂર સુદૂર ક્ષિતિજે રેલાતાં રંગો સુધી આ દુનિયા ફેલાયેલી છે. શું બાકી છે આ સ્વર્ગમાં ? કશું જ નહીં.
પ્રેમની ભરતીમાં શબ્દોની સ્કેરસીટી કેટકેટલા કવિઓએ અભિવ્યક્ત કરી છે !!

ખૂબ સરસ
ખુબજ સરસ કાવ્ય આસ્વાદ ખુબ સરસ
ખૂબ જ સરસ અભિવ્યક્તિ