નીરવ પટેલ ~ મારા શામળિયે * Neerav Patel

🥀 🥀   

મારા શામળિયે મારી હૂંડી પૂરી

નીકર ગગલીનું આણું શેં નેકળત ?

ચાવંડાની બાધા ફળી

ને જવાનજોધ ગરાહણી ફાટી પડી…

એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન !

રાતીચોળ ચેહ બળે

ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !

ગગલીની મા તો

જે મલકાય, જે મલકાય, મારી હાહુ…

બસ ડાઘુઓની પૂંઠ ફરે કે

ધોડું હડ્ ડ્ મહાણે

મારા ભંગિયાનોય બેલી ભગવાન !! .

~ નીરવ પટેલ

🥀 🥀   

કલ્પી ન શકાય, વિચારી ન શકાય એવી વાત ને છતાંય નરી વાસ્તવિકતા !! વરવી, વિકરાળ વાસ્તવિકતા !! કેટલો વિરોધાભાસ લઇને આવે છે આ કવિતા !! આમ જુઓ તો ઘટના નાયિકાની ખુશીની છે પણ એ ખુશીનું કારણ ભાવકના હૈયાને ચીરી નાખે એવું વિદારક !! આ એક એવા શોષિત સમાજની પીડા છે જે સદીઓથી આપણી નજર સામે ગુલામીમાં સબડે છે. પેઢીઓથી આ લાચારી એની રગરગમાં એવી ઘુંટાઇ ગઇ છે કે જીવતાં ઉતરડી નાખવા જેવા અન્યાય સામેય માથું ઉંચકવાનો વિચાર એની આસપાસ ફરકતો નથી. એ સમાજમાં બાળક જન્મે ત્યારથી એના પ્રત્યેક ધબકાર આ પરિસ્થિતિને એની રગેરગમાં ભેળવતા જાય છે. એ અન્યાય શ્વસે છે અને એની નસોમાં લોહીની સાથે શોષણ વહ્યા કરે છે. એની સંવેદના બુઠ્ઠી થતી જાય છે પણ હંમેશા, બધે જ આવું નથી થતું. ક્યાંક બાબાસાહેબ આંબેડકર જન્મે છે અને કહેવાતા ભદ્ર સમાજના આવા ભીષણ અપરાધ સામે એ જંગે ચડે છે. ક્યાંક નીરવ પટેલ જન્મે છે અને કાળી ચીસ બની આપણા અસ્તિત્વના કણેકણને સળગાવી દે, એવા શબ્દો એની કલમમાંથી ટપકે છે. એ એવાં સત્ય બયાન રજૂ કરે છે કે સફેદ કાગળ શરમથી કાળો થઇ જાય ને વાચક પગથી માથા લગી વલોવાઇ જાય !

કવિતાનું વસ્તુ આમ છે. એક બાજુ ગગલીની માને દીકરીના આણાની ચિંતા છે, એણે મા ચાવંડાની બાધા રાખી છે ને બીજી બાજુ જુવાનજોધ ગરાસણીનું મોત થાય છે. મરનાર સ્ત્રી સૌભાગ્યવતી છે એટલે એના શબ પર રાતુંચોળ ગવન ઓઢાડાયું છે. આ ગવન પવનથી ઊડી આકડાની ડાળ પર ભેરવાઇ જાય છે. ગગલીની મા એને આશાભરી આંખે જોઇ રહે છે કે ક્યારે સ્મશાનમાંથી ડાઘુઓ જાય ને ક્યારે પોતે દોડીને આ લહેરાતું રાતુંચોળ ગવન લઇ લે !  પોતાની દીકરીના આણાં માટે એ લઇ જાય !! એ લોકો માટે ભલે એ કંઇ કામનું નથી પણ એમના દેખતાં તો એનાથી ગવનને અડાય પણ નહીં !! ગગલીની મા છાનીછૂપી એવી મલકાય છે !! મનમાં ને મનમાં હરખથી છલકાય છે, ઇશ્વરનો આભાર પણ માને છે, ‘હાશ, આખરે મારા શામળિયાએ હૂંડી પૂરી ! મારી લાજ રાખી. છેવટ મુજ ભંગિયાની વહારેય ભગવાન આવ્યો ! નહીંતર મારી દીકરીનું આણું શેં પુરાત ?’

હૃદય ફાટી પડે એવી ભયંકર કરુણ વિરોધાભાસી પરિસ્થિતિ છે. એક બાજુ એક જુવાનજોધ સ્ત્રીનું મૃત્યુ છે ને એ મૃત્યુને કારણે જ જન્મતી એક માતાની છલકાતી ખુશી. આ બે ઘટનાને એક સાથે કેવી રીતે જોડી શકાય ? પણ આ સમાજની સચ્ચાઇ છે. આ એવા સમાજની સચ્ચાઇ છે જેનો આપણે ભાગ છીએ અને એ બદલ કોઇપણ સંવેદનશીલ મનુષ્યને શરમથી ધરતીમાં સમાઇ જવાનું મન થાય !! એકના મોતની પરિસ્થિતિ બીજાના જીવનના આંરભની ખુશીનું કારણ બને છે કેમ કે માતા લાચાર છે. એની ત્રેવડ નથી દીકરીનું આણું સારી રીતે પૂરવાની. એટલે એની નજર સામે છે આકડા પર લહેરાતું રાતુંચોળ ગવન…. એને એ સ્ત્રીનું મોત સ્પર્શતું નથી. આવું બનવા માટે જવાબદાર છે, કહેવાતા ભદ્ર સમાજ તરફથી એમને મળતી પારાવાર પીડા-અન્યાય !! એ કારણ છે કે મૃત્યુ જેવી ઘટના પણ એના મન પર દુખનો અણસાર જન્માવી શકતી નથી..

આ અત્યંત કડવી સચ્ચાઇ છે જેને આપણે મૂક-બધિર-જડ થઇ સદીઓથી જોતાં રહ્યાં છીએ. એવામાં ક્યાંક કોઇ વિદ્રોહનો સ્વર આભ ચીરતો પ્રગટે છે અને ઘોર અંધારામાં થોડું અજવાળું ફેલાવે છે.. આવા સ્વરોને ઝીલવાની તાકાત કેળવીએ તોય કંઇક અંશે સાર્થક !!

દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 135 @ 06 મે 2014

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “નીરવ પટેલ ~ મારા શામળિયે * Neerav Patel”

  1. ઉમેશ જોષી

    તળપદી શબ્દથી લખાયેલ હ્રદયસ્પર્શી રચના..

  2. ગામડામાં હજી પણ અમૂક દલિત લોકોની દશા હજુ પણ સુધરી નથી. કવિ, સાહિત્યકાર નીરવભાઈની હૈયાવરાળ સકારણ છે, વાવી પ્રત્યક્ષ વેદના નિરુપણ માટે એ પોંખાયા પણ છે. આ કાવ્ય વિશ્વમાં સમાવવા બદલ આપને પણ અભિનંદન.

Scroll to Top