🥀 🥀
એક તારી કલ્પના જે જિગર બાળતી રહી,
એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી.
એક હું કે શોષતી રહી મારી કલા મને,
એક તું કે સૌ કલા તને શણગારતી રહી.
એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકે,
એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી.
એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી.
એક તુ કે તારી આંખને જોતું રહ્યું જગત,
એક હું કે મારી આંખ જગત પર ભમી રહી.
એક તું કે તારા હાથમાં દુનિયાની આબરૂ,
એક હું કે મારી આબરૂ મારા સુધી રહી.
એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી.
~ મરીઝ (22.2.1917 – 19.10.1983)
🥀 🥀
એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
~ મરીઝ (22.2.1917 – 19.10.1983)
🥀 🥀
કહું છું સાકીને જયારે મને શરાબ તો દે,
કહે છે આગલો બાકી છે એ હિસાબ તો દે.
અનેક રાગ છે કંઠસ્થ- રજૂઆત નથી,
તૂટી ફૂટેલું ભલે હોય એક રબાબ તો દે.
મને તો કોરી રહી છે આ મારી એકલતા,
ભલે સરસ નહીં, સંગત કોઈ ખરાબ તો દે.
કુરાન, ગીતા, અવેસ્તા, હવે જવા દે વાત,
હવે નવી હો લખેલી કોઈ કિતાબ તો દે.
જરાક તારી આ દુનિયામાંથી ખોવાઈ શકું,
ભલે ન ઊંઘ મને આપ, થોડાં ખ્વાબ તો દે.
અનંત ઊંઘ છે, પથ્થરના મારથી શું થશે ?
જનાજો જાય છે મારો જો હો, ગુલાબ તો દે
🥀 🥀
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.
અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.
તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.
એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.
એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.
~ મરીઝ (22.2.1917 – 19.10.1983)
🥀 🥀
છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,
રહ્યો હું મુંગો છતાં ભેદ છુપાવી ન શક્યો.
જોતજોતામાં મેં દુનિયાને મનાવીય લીધી,
તમે કારણ વિના રૂઠ્યા છો, મનાવી ન શક્યો.
ઝાડ તો રોપી શક્યો મારા જીવન-ઉપવનમાં,
ફૂલ કોઈ એની ઉપર હાથે ખિલાવી ન શક્યો.
જિંદગી વેડફી દીધી તેનું કારણ એ છે,
તક હતી એટલી મોટી કે પચાવી ન શક્યો.
સામે મંઝિલ હતી જોયા કીધી, જોયા જ કીધી;
હતી હિંમતમાં ઊણપ, પગ હું ઉઠાવી ન શક્યો.
એના અન્યાયની વાતો તો ઘણી કીધી ‘મરીઝ’,
હતા દુનિયાના જે ઉપકાર ગણાવી ન શક્યો.
~ મરીઝ (22.2.1917 – 19.10.1983)

સાદર સ્મરણ વંદના.
મરીઝ સાહેબને સ્મૃતિ વંદન.
ખુબ સરસ રચનાઓ ખુબ ગમી સ્મ્રુતિવંદન 🙏🙏🙏